શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં 36 કલાકની અંદર ત્રીજું એનકાઉન્ટર શરૂ થયું છે. હાલ સુરક્ષા દળોએ કાશ્મીરના ત્રાલ, અવંતીપુરા અને હરદુમિયામાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. સુરક્ષા દળોએ ત્રાલમાં બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ પહેલાં શોપિયાંમાં પણ દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પુલવામામાં પણ 1 આતંકવાદીઓને ઠાર કર્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓની સામે ઝડપી કાર્યવાહી કરી છે. શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં આતંકવાદીઓએ એક શખસ પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટના પછી અત્યાર સુધીમાં છેલ્લા 36 કલાકમાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. હજી પણ સેના દ્વારા કેટલાય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન જારી છે.
આ એનકાઉન્ટર સિવાય સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. જમ્મુ-કાશ્મીર પોલીસને શ્રીનગરમાં એક નાગરિક અને પોલીસ કર્મચારીની હત્યામાં સામેલ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. એની સઘન પૂછપરછથી આતંકવાદીઓની ખીણમાં કામગીરીની મોટી માહિતી હાથ લાગે શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓમાં કાશ્મીર ખીણમાં આતંકવાદી ઘટનાઓ વધી છે. આતંકવાદીઓ સામાન્ય નાગરિકોથી માંડીને બહારના મજૂરોને નિશાન બનાવી રહ્યા છે. જોકે સતત થઈ રહ્લા હુમલાઓથી સુરક્ષા દળોએ નવું ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન દ્વારા હવે ઓવર ગ્રાન્ટ વર્ક્સ (OGW)ને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે આતંકવાદીઓને દરેક ઇનપુટ પહોંચાડે છે. આવામાં તેમની ધરપકડ કરીને લાંબા સમય સુધી આતંકવાદીઓને દિશાહીન કરવાની યોજના છે.