સ્મૃતિ ઈરાનીની પુત્રી સગાઈનાં બંધનમાં બંધાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રનાં મહિલાઓ અને બાળવિકાસ ખાતાનાં પ્રધાન સ્મૃતિ ઈરાનીની પુત્રી શેનેલ સગાઈનાં બંધનથી બંધાયાની જાહેરાત ઈરાનીએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરી છે. તેમણે એ પોસ્ટમાં જણાવ્યું છે કે શેનેલે અર્જુન ભલ્લા સાથે સગાઈ કરી છે. એ સાથે તેમણે બંનેની તસવીરો પણ પોસ્ટ કરી છે. એક તસવીરમાં કોઈક નયનરમ્ય સ્થળે યુગલ એની સ્વપ્નીલ ક્ષણોનો આનંદ માણી રહ્યું છે. અર્જુનને એક ઘૂંટણભેર બેસીને શેનેલને પ્રપોઝ કરતો અને સગાઈની વીંટી પહેરાવતો જોઈ શકાય છે. બીજી તસવીરમાં સગાઈના બંધનથી બંધાયેલા અને સ્મિત વેરતાં યુગલની સેલ્ફી છે. તસવીરોની કેપ્શનમાં ‘સાસુ’ સ્મૃતિ ઈરાનીએ એમનાં પરિવારમાં ભાવિ જમાઈ અર્જુનનું સ્વાગત કરતું લખાણ લખ્યું છે. ‘જે અમારાં દિલમાં સમાઈ ગયા છે એવા અર્જુન ભલ્લાનું અમારાં પાગલોથી ભરેલા પરિવારમાં સ્વાગત છે. તમારે સસરાના સ્વરૂપમાં એક પાગલ શખ્સનો સામનો કરવો પડશે અને એનાથી ખરાબ… સાસુ તરીકે મારો… (તમને સત્તાવાર રીતે ચેતવી દેવામાં આવે છે). ભગવાન તમારું ભલું કરે… શેનેલ ઈરાનીની જિંદગીની નવી શરૂઆત…’

શેનેલ ઉપરાંત સ્મૃતિ ઈરાનીને બે વધુ બાળકો પણ છે – પુત્ર ઝોહર અને પુત્રી ઝોઈશ. ઝોહર અને ઝોઈશ સ્મૃતિને એમનાં પતિ ઝુબીન ઈરાનીથી થયેલાં સંતાનો છે જ્યારે શેનેલ ઝુબીનની મોના ઈરાની સાથેનાં પહેલા લગ્નથી થયેલી પુત્રી છે.

(તસવીર સૌજન્યઃ સ્મૃતિ ઈરાની ઈન્સ્ટાગ્રામ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]