એક જ દિવસમાં કોરોનાનાં 757 કેસ નોંધાયા

મુંબઈઃ ગઈ કાલે શહેરમાં એક જ દિવસમાં કોરોનાવાઈરસના નવા 757 કેસ નોંધાતાં ચિંતા પ્રસરી છે. 24 કલાકના સમયગાળામાં કેસોની આટલી મોટી સંખ્યા સતત પાંચમા દિવસે નોંધાઈ છે. મુંબઈમાં ગયા મંગળવારે કોરોનાનાં 327 કેસ થયા હતા, બુધવારે 490, ગુરુવારે 602 અને શુક્રવારે 683. આ બીમારીથી કોઈ મરણ નોંધાયું નથી, પરંતુ કેસોની સંખ્યા વધી રહી હોવાથી મહારાષ્ટ્રના આરોગ્ય સત્તાધિશો ચિંતામાં આવી ગયાં છે.

કોરોનાનો ફેલાવો રોકવા માટે રાજ્ય સરકારે અનેક નિયંત્રણો ગયા શુક્રવારથી લાગુ કરી જ દીધા છે, જેમ કે, રાતે 9 અને સવારે 6 વાગ્યાની વચ્ચે પાંચથી વધારે વ્યક્તિઓએ ભેગાં થવું નહીં અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપનાર લોકોની સંખ્યા પર મર્યાદા. વળી, કેન્દ્ર સરકારના આદેશાનુસાર બંધબારણે કે ખુલ્લી જગ્યાઓ પર નવા વર્ષની ઉજવણી પાર્ટીઓ અને સભાઓ, મિલન સમારંભો યોજવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.