બૂસ્ટર-ડોઝના મારા સૂચનનો કેન્દ્રએ સ્વીકાર કર્યોઃ રાહુલ

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોરોનાવાઈરસ ચેપી રોગચાળાને અંકુશમાં રાખવા માટેની રસીના બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવાના મારા સૂચનનો કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો છે અને આ એક સારો નિર્ણય છે. દેશમાં પ્રત્યેક નાગરિક સુધી વેક્સીન અને બૂસ્ટરની સુરક્ષા પહોંચાડવાની રહેશે. (ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ 22 ડિસેમ્બરે એક ટ્વીટમાં લખ્યું હતું કે આપણા દેશમાં હજી ઘણાં લોકોને હજી રસી અપાઈ નથી. ભારત સરકાર બૂસ્ટર ડોઝ આપવાનું ક્યારે શરૂ કરશે?)

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાતે રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં કોવિડ-19નો સામનો કરવા માટે એમની સરકારની વ્યૂહરચના વિશે જાણકારી આપી હતી અને નાગરિકોને કહ્યું હતું કે દેશમાં કોરોનાના કેસ વધી ગયા છે તે છતાં કોઈએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવાનું છે. કોરોનાનો ચેપ રોકવા માટે ઈન્ટ્રાનેસલ (નાકનાં બંને નસકોરામાં ટીપાં સ્વરૂપે નાખવાની દવા) તથા દુનિયાની પ્રથમ ડીએનએ રસી ભારતને ટૂંક સમયમાં જ પ્રાપ્ત થવાની છે. મોદીએ કહ્યું હતું કે દેશમાં 15-18 વર્ષની વયનાં બાળકોને 3 જાન્યુઆરીથી કોરોના-વિરોધી રસી આપવાનું શરૂ કરાશે. હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કર્મચારીઓને 10 જાન્યુઆરીથી અગમચેતી (બૂસ્ટર) ડોઝ આપવાનું શરૂ કરાશે. એ જ તારીખથી ગંભીર બીમારી ધરાવતા 60-વર્ષની ઉપરની વયનાં નાગરિકો પણ ડોક્ટરની સલાહ અનુસાર બૂસ્ટર ડોઝ લઈ શકશે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]