બજેટ સાથે 1 ફેબ્રુઆરીથી બદલાશે આ નિયમ; આમઆદમીના ખિસ્સા પર પડશે બોજો

મુંબઈઃ આવતીકાલે 1 ફેબ્રુઆરીનો દિવસ ખરા અર્થમાં ખાસ બની રહેશે. આવતીકાલે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન વર્ષ 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરવાનાં છે. એ સાથે જ કેટલાક ફેરફારો પણ અમલમાં આવી જશે. એનું સીધું પરિણામ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે. આમાં મુખ્યત્વે રાંધણ ગેસના સિલિન્ડરની નવી કિંમત, ક્રેડિટ કાર્ડની સમયસર ચૂકવણી પર અતિરિક્ત ચાર્જની વસૂલી, મોટરકારની કિંમતમાં વધારો વગેરેનો સમાવેશ થાય છે.

ક્રેડિટ કાર્ડનો નિયમ

આવતીકાલ 1 ફેબ્રુઆરીથી રેન્ટ બાય ક્રેડિટ કાર્ડ પર કોઈ પણ પ્રકારનો રિવોર્ડ પોઈન્ટ આપવામાં નહીં આવે. તે ઉપરાંત કેલેન્ડર મહિનાના દ્વિતીય રેન્ટલ સોદામાંથી 1 ટકો અતિરિક્ત ચાર્જ લાગુ કરાશે. બેન્ક ઓફ બરોડા, એચડીએફસી બેન્કે આ નિયમ લાગુ કરવાનું નક્કી કર્યું છે.

ટાટા મોટર્સના વાહનોની કિંમત વધશે

ટાટા મોટર્સ કંપનીએ 1 ફેબ્રુઆરીથી પ્રવાસી વાહનોમાં આઈસીઈ પોર્ટફોલિયોમાં સામેલ વાહનોની કિંમત વધારવાનો નિર્ણય લીધો છે. કંપનીએ આ વધારા માટે નિયમમાં કરાયેલા ફેરફાર તથા કાચા માલની કિંમતમાં થયેલા વધારાને જવાબદાર ગણાવ્યા છે. 1 ફેબ્રુઆરીથી વેરિઅન્ટ અને મોડેલ્સને આધારે કિંમતમાં 1.2 ટકાનો વધારો થશે.

ગેસ સિલિન્ડરની કિંમત વધશે

પ્રત્યેક મહિનાની 1 તારીખે રાંધણ ગેસ સિલિન્ડરની નવી કિંમત જાહેર કરવામાં આવે છે. આવતીકાલે સરકારી ઓઈલ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફારમાં શેની જાહેરાત કરે છે તેની પર નાગરિકોની મીટ છે.

ટ્રાફિક નિયમો

બુધવાર 1 ફેબ્રુઆરીથી નવા ટ્રાફિક નિયમો લાગુ થશે. હવે સિગ્નલ તોડવા કે ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા બદલ તગડી રકમનો દંડ ભરવો પડશે. આ દંડની રકમ રૂ. 1,000 સુધી જઈ શકે છે. એવી જ રીતે, લાઈસન્સને લગતા નિયમો પણ કડક બનાવી દેવામાં આવ્યા છે.

રજિસ્ટ્રેશન જરૂરી

હવેથી ઓનલાઈન ગેમિંગ કંપનીઓએ રજિસ્ટર થવાનું ફરજિયાત છે. એવું નહીં કરનારે અનેક પ્રકારના ખુલાસા આપવા પડશે અને પુષ્કળ પેપર-વર્કમાંથી પસાર થવું પડશે.

ફૂડ પેકેજિંગના નિયમો બદલાશે

આવતીકાલથી દેશભરમાં ફૂડ પેકેજિંગને લગતા નવા નિયમો લાગુ થશે. હવેથી ખાવા-પીવાની ચીજવસ્તુઓના પેકિંગ પર માલના મૂળ ઉત્પાદક દેશ, મેન્યૂફેક્ચરિંગ તારીખ અને VATની જાણકારી આપવાની રહેશે.