આર્થિક સર્વેમાં ચેતવણીઃ દેશની નિકાસ ધીમી પડે એવી શક્યતા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરેલા આર્થિક સર્વેમાં ચેતવણી આપવામાં આવી છે કે વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની આશંકાને પગલે દેશની નિકાસ ધીમી પડી શકે છે. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પડવાની આશંકા દર્શાવવામાં આવી છે. આર્થિક સર્વેમાં ચેતવણી આપતાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં કોમોડિટીની અસ્થિર કિંમતો અને કાચા માલના સપ્લાયમાં અડચણોને પગલે વૈશ્વિક સ્તરે નવી મુશ્કેલીઓ જોવા મળી શકે છે, જે દેશના ઓદ્યૌગિક ગ્રોથ પર દબાણ આણી શકે છે. 

એમાં ચેતવણી આપવામાં આવી છે કે ચીનમાં કોરોના રોગચાળાની વાપસીથી સપ્લાય ચેઇનમાં અડચણો જોવા મળી શકે છે. વૈશ્વિક પડકારો છતાં નાણાં વર્ષ 2023માં ઓદ્યૌગિક ઉત્પાદન વધ્યું છે અને એનાથી સતત માગમાં મજબૂતી બની રહેવામાં મદદ મળી છે. સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે ઓદ્યૌગિક ગ્રોથની સાથે ઇન્ડસ્ટ્રીને અપાતી બેન્કોની લોન અથવા ક્રેડિટની ઝડપ વધી છે. બેન્કોની ક્રેડિટ જાન્યુઆરી, 2022થી સતત ધીમે-ધીમે વધી રહી છે.

વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાને લીધે નાણાકીય વર્ષ 2023ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં ઉત્પાદન ક્ષેત્રમાં સીધા વિદેશી મૂડીરોકાણ (FDI) ઓછું થયું છે. એ હજી પણ કોરોના રોગચાળાના પહેલાંના સ્તરની તુલનામાં વધુ છે. આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોમોડિટીની કિંમતોમાં ઘટાડો આવ્યા પછી કંપનીઓના પડતર ખર્ચ પર દબાણ થોડુંક ઓછું થયું છે. એનાથી તેમના માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે. સર્વેમાં કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં ક્રેડિટ ગ્રોથ પણ વધી છે. એ મૂડી ખર્ચથી જોડાયેલા મૂડીરોકાણ માટે શુભ સંકેત છે.