નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર બુધવારથી શરૂ થવાનું છે. બજેટ સત્રની ઠીક પહેલાં તમામ સસ્પેન્ડ થયેલા સાંસદોનું સસ્પેન્શન રદ કરી દેવામાં આવશે. શિયાળુ સત્ર દરમ્યાન લોકસભા અને રાજ્યસભાના 146 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર 146માંથી 132 સાંસદોને શિયાળુ સત્રમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 14 સાંસદોને વિશેષાધિકાર સમિતિઓ દ્વારા તેમના નિર્ણય સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ 14 સાંસદોમાં ત્રણ લોકસભા અને 11 રાજ્યસભાના સાંસદ હતા.
સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું હતું કે તમામ સસ્પેન્ડ સાંસદોનું સસ્પેન્શન રદ કરવામાં આવશે. મેં લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિ સાથે વાત કરી છે. મેં તેમના તરફથી વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ અધ્યક્ષ અને સભાપતિના અધિકાર ક્ષેત્રમાં આવે છે. એટલા માટે અમે આ બંનેને વિનંતી કરી છે કે સંબંધિત વિશેષાધિકાર પ્રાપ્ત સમિતિઓ સાથે વાત કરે, સસ્પેન્શન રદ કરે અને તેમને સંસદમાં આવવાની તક આપે. બંને તેના પર સહમત થઈ ગયા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સસ્પેન્ડ થયેલા સાંસદો કાલથી સદનમાં આવી શકશે તો તેમણે હા પાડી હતી.
લોકસભા ચૂંટણીની ઠીક પહેલાં 31 જાન્યુઆરીથી પ્રારંભ થયેલા સંસદના બજેટ સત્રને ધ્યાન રાખતાં સરકારે મંગળવારે સર્વપક્ષી બેઠક બોલાવી હતી, જેમાં વિવિધ પાર્ટીના નેતા સામેલ થયા હતા. સંરક્ષણ મંત્રી અને સંસદના ઉપનેતા રાજનાથ સિંહ સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી અને સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે બેઠકમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.