સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિથી નવી સંસદના ઉદઘાટન મામલે અરજી ફગાવી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી જ નવી સંસદનું ઉદઘાટન કરશે. સુપ્રીમ કોર્ટે એ જનહિત અરજીને ફગાવી દીધી છે, જેમાં દેશના રાષ્ટ્પતિ દ્વારા નવી સંસદનું ઉદઘાટન કરવા માટે લોકસભા સચિવાલય અને કેન્દ્ર સરકારને નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતાં અરજીકર્તાઓને ફટકાર પણ લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે આ અરજી કેમ દાખલ કરવામાં આવી છે?  તમે અમારો આભાર માનો કે અમે તમારી પર દંડ નથી લગાવતા. અરજી ફગાવી દેતાં સ્પષ્ટ કહ્યું હતું કે આ કોર્ટનો વિષય નથી. જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ પીએસ. નરસિંહાની ખંડપીઠે કહ્યું હતું કે આ કોઈ એવો મામલો નથી કે, જેમાં કોર્ટ દખલ દે.

કોર્ટે કહ્યું હતું કે આ અરજી પર સુનાવણીનો કોઈ આધાર નથી. કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. બંધારણના અનુચ્છેદ 79 મુજબ રાષ્ટ્રપતિ સંસદનો હિસ્સો છે. લોકસભા સચિવાલયે તેમનાથી ઉદઘાટન નહીં કરવાનો જે નિર્ણય છે, એ ખોટો છે.

વકીલ સીઆર જયા સુકિને દાખલ કરવામાં આવેલી અરજીમાં તર્ક આપવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિને ઉદઘાટન સમારોહથી બહાર કરીને કેન્દ્ર સરકારે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે અને એના સન્માનમાં ઊણપ દેખાઈ રહી છે. તેમણે અરજીમાં સંસદનું ઉદઘાટન વડા પ્રધાનને બદલે રાષ્ટ્રપતિને હાથ કરવા માટે આદેશ જારી કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે રાષ્ટ્રપતિ બંધારણીય રીતે સરકારના વડા હોય છે. આવામાં તેમને સમારંભમાં કેમ બોલાવવામાં નથી આવ્યાં.

જોકે સુનાવણી દરમ્યાન અરજીકર્તાએ દલીલ કરતાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિનું બંધારણીય વડાનું પદ, જેના પર કોર્ટે કહ્યું હતું કે કાર્યકારી પ્રમુખ ( વડા પ્રધાન) સંસદના સભ્ય હોય છે. અમે અરજીને ડિસમિસ કરીએ છીએ.

ત્યાર બાદ વકીલે અરજી પરત લેવાની માગ કરી હતી. એના પર સોલિસિટર જનરલે કહ્યું હતું કે અરજી પરતની મંજૂરી માગી તો તેઓ હાઇકોર્ટમાં જશે. કોર્ટે હાઇકોર્ટ જવાની મંજૂરી ના આપતાં અરજદારને અરજી પરત ખેંચવાની વાત કરી હતી.