રાહુલ ગાંધીને નવો પાસપોર્ટ ઈશ્યૂ કરવા દિલ્હીની કોર્ટે NOC આપી

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સાંસદપદ ગેરલાયક ઠેરવાયા બાદ તેઓ સાંસદ તરીકેના એમના વિશેષાધિકાર ખોઈ બેઠા છે. પરંતુ દિલ્હીની એક કોર્ટે રાહુલ ગાંધીને આગામી ત્રણ વર્ષ માટે રેગ્યૂલર પાસપોર્ટ મેળવવાની આજે પરવાનગી આપી છે. રાહુલે એમનું સાંસદપદ અયોગ્ય ઠેરવાયા બાદ પોતાનો રાજદ્વારી પાસપોર્ટ શરણે કરી દીધો હતો અને ત્યારબાદ એમણે નવા પાસપોર્ટ માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) મેળવવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વૈભવ મહેતાએ રાહુલ ગાંધીના ધારાશાસ્ત્રીને કહ્યું, હું તમારી અરજીને આંશિક રીતે મંજૂર રાખું છું. 10 વર્ષ માટે નહીં, પણ ત્રણ વર્ષ માટે મંજૂર કરું છું.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપી છે અને ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામી ફરિયાદી છે. રાહુલે પોતાની અરજીમાં પોતાને નવો ઓર્ડિનરી પાસપોર્ટ ઈશ્યૂ કરાય એ માટે એનઓસી મંજૂર કરવા કોર્ટને વિનંતી કરી હતી. હવે કોર્ટે એનઓસી મંજૂર કરતાં રાહુલને ત્રણ વર્ષ માટે પાસપોર્ટ મળશે. દેશમાં કોઈ પણ નાગરિકને નવો પાસપોર્ટ મેળવવા માટેની પ્રક્રિયામાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે એવું સમર્થન સૂચવે છે કે અરજદારને નવો પાસપોર્ટ ઈશ્યૂ કરાય એની સામે અદાલતને કોઈ વાંધો નથી.