નવી દિલ્હીઃ દેશમાં ઠંડી શરૂઆતના તબક્કામાં છે, પરંતુ પંજાબ અને હરિયાણામાં પરાળી સળગાવવાની ઘટનાઓ થવા લાગી છે. એના પર કોઈ રોક નથી લાગી શકી. જેથી સુપ્રીમ કોર્ટે બંને રાજ્ય સરકારને પાછલા આદેશનું પાલન નહીં કરવા પર ફટકાર લગાવતાં ચેતવણી આપી હતી કે જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો કોર્ટ તેમના મુખ્ય સચિવોની વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધશે.
કોર્ટે સવાલ કર્યો હતો કે રાજ્ય સરકાર પરાળી સળગાવવા માટે લોકો પર કેસ ચલાવવા અને મામૂલી દંડ લગાવીને લોકોને છોડવાથી ખચકાટ કેમ અનુભવી રહી છે. કોર્ટે હરિયાણાને કહ્યું છે કે ઇસરો તમને એ સ્થાન બતાવી રહ્યું છે કે જ્યાં આગ લાગી હતી અને તમે કહો છો કે તમને કંઈ મળ્યું નહીં.
કોર્ટે બંને રાજ્યોના મુખ્ય સચિવોને 23 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા માટે આદેશ આપ્યો છે. જસ્ટિસ અભય એસ ઓકા, જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ પંચ (CQM)ને નિર્દેશ આપ્યા હતા કે પંચ ઉલ્લંઘનકર્તાઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવા માટે હરિયાણા સરકારના અધિકારીઓની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરે.
કોર્ટે CQMની તુલના વિના દાંતવાળા વાઘ સાથે કરી હતી. કોર્ટે પરાળી સળગાવવાના મામલે હરિયાણા સરકારના વલણ પર નારાજગી જાહેર કરતાં કહ્યું હતું કે આ કોઈ રાજકીય કેસ નથી. જો મુખ્ય સચિવ કોઈના ઇશારે કામ કરી રહ્યા છે, તો તેમની પાસે સ્પષ્ટીકરણ માગવામાં આવશે. આ મુદ્દે પંજાબ સરકારને ફટકાર લગાવતાં કોર્ટે કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પરાળી સળગાવવાને લઈને એક પણ કેસ નથી ચલાવવામાં આવ્યો. પંજાબ સરકારે ખેડૂતોને ટ્રેક્ટર આપવા માટે કેન્દ્રથી નાણાં લેવા માટે કોઈ પ્રયાસ નથી કર્યા, એમ કોર્ટે કહ્યું હતું.