ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણી યોજવા કવાયત હાથ ધરી

નવી દિલ્હીઃ દેશમાં 2022માં પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી દીધી છે. ચૂંટણી પંચની ટીમ ત્રિદિવસીય ગોવા પ્રવાસે જશે. ટીમના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા પણ આ પ્રવાસમાં સામેલ થશે. આ ટીમ આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. ચૂંટણી પંચ નવા વર્ષની પાંચ જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરે એવી શક્યતા છે.

માર્ચ અને એપ્રિલમાં CBSE સહિત આ બધાં રાજ્યોના શિક્ષણ બોર્ડની 10-12મા ધોરણની પરીક્ષાઓ યોજવાની છે. જેથી ચૂંટણી પંચ માર્ચના પહેલા સપ્તાહમાં આ બધાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી કરાવવાની તૈયારીમાં છે. વર્ષ 2017માં ચૂંટણી આઠ માર્ચે પૂરી થઈ હતી અને 11 માર્ચે પરિણામો જાહેર થયાં હતાં.

હાલમાં ચૂંટણી પંચ પણ વિવાદોમાં ઘેરાયું હતું. વડા પ્રધાનની ઓફિસ દ્વારા 16 નવેમ્બરે બોલાવેલી વર્ચ્યુઅલ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા અને બે ચૂંટણી કંમિશનર રાજીવ કુમાર અને અનુપ ચંદ્ર પાંડે સામેલ થયા હતા. જેને લઈને વિવાદ શરૂ થયો હતો. કોંગ્રેસના સંસદસભ્ય મનીષ તિવારીએ આ મુદ્દે લોકસભામાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી હતી. તેમના જણાવ્યા મુજબ બેઠકમાં સામેલ થવું એ પંચની સ્વાયત્તતાથી સમજૂતી કરવામાં આવી છે.