નવી દિલ્હીઃ શું તમે જાણો છો કે જે રાજકીય પક્ષોને તમે મત આપો છો, તેમની પાસે ચૂંટણી લડવા માટે નાણાં ક્યાંથી આવે છે? તાજા આંકડા અનુસાર ભાજપને 92 ટકા અને કોંગ્રેસને 85 ફંડ કોર્પોરેટ કંપનીઓ પાસેથી આવે છે. દેશમાં ચૂંટણી અને પારદર્શિતા પર કામ કરતી સંસ્થા એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ગઈ કાલે નાણાકીય વર્ષ 2018-19માં અલગ-અલગ ખાનગી કંપનીઓ અને તેમના માલિકો દ્વારા રાજકીય પક્ષોને આપેલા ફંડને લઈને એક અહેવાલ જાહેર કર્યો છે. ભાજપને નાણાકીય વર્ષ 2018-19માં સૌથી વધુ ફંડ પ્રાપ્ત થયું છે. ભાજપ પછી કોંગ્રેસ બીજા નંબરની પાર્ટી છે, જેને વર્ષ 2018-19માં સૌથી વધુ કોર્પોરેટ ફંડ મળ્યું છે, એમ ADR અહેવાલ કહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોર્પોરેટ અને ઉદ્યોગ જગત પાસેથી રાજકીય પક્ષોને કમસે કમ 2018-19 દરમ્યાન રૂ. 876 કરોડનું ફંડ મળ્યું હતું અને ભાજપને એમાંથી સૌથી વધુ ફંડ મળ્યું હતું.
ભાજપને અધધધ ફંડ મળ્યું
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ભાજપને રૂ. 698 કરોડ મળ્યા છે. બીજા ક્રમે કોંગ્રેસને રૂ. 122.5 કરોડ મળ્યા છે. બધા રાજકીય પક્ષોએ નાણાકીય વર્ષમાં રૂ. 20,000થી વધુ ફંડ અને દાનદાતાઓ વિશે ચૂંટણી પંચને માહિતી આપવાની રહે છે.
રાજકીય પક્ષોને અપાયેલા ફંડના ડેટાનું વિશ્લેષણ કર્યા પછી કેન્દ્રીય ચૂંટણી પંચ અને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે રિપોર્ટ જાહેર કર્યો છે. આ અહેવાલ મુજબ રૂ. 20,000થી ઓછું ફંડ આપનારા લોકોની યાદીમાં પણ અન્ય પક્ષોની તુલનામાં ભાજપને વધુ લોકોએ દાન કર્યું છે. ADRના વિશ્લેષણ અનુસાર 2004-12ના સમયગાળા અને 2018-19ના સમયગાળામાં કોર્પોરેટથી રાષ્ટ્રીય પક્ષોને અપાનારા દાનની તુલના કરીએ તો એમાં 131 ટકાનો વધારો નોંધાયો છે.
ભાજપને 1573 કોર્પોરેટ દાતા (કંપની)ઓએ ફંડફાળો આપ્યો
પાંચ રાષ્ટ્રીય પક્ષોમાં ભાજપને 1573 કોર્પોરેટ દાનદાતાઓથી મહત્તમ રૂ. 698.082 કરોડનું ફંડ મળ્યું. ત્યાર પછી કોંગ્રેસને 122 કોર્પોરેટ દાનદાતાઓએ કુલ રૂ. 122.50 કરોડનું ફંડ મળ્યું. આ સિવાય NCPને 17 કોર્પોરેટ દાનદાતાઓ પાસેથી રૂ. 11.345 કરોડનું ફંડ મળ્યું. જોકે કુલ 319 ફંડ વિશે દાનદાતા ફોર્મમાં સરનામાની માહિતી નથી, જેમાંથી રાષ્ટ્રીય રાજકીય પક્ષોને રૂ. 31.42 કરોડ મળ્યા હતા.