નવી દિલ્હીઃ નોબેલ પુરસ્કારથી સમ્માનિત અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનના સંકટને કારણે ગરીબ લોકો પારાવાર મુસીબતમાં મૂકાઈ ગયા છે તેથી સરકારે એવા લોકોને રોકડ રકમની મદદ કરવી જોઈએ અને એમની લોન માફ કરી દેવી જોઈએ.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના વાયરસ સંકટ અને તેની આર્થિક અસરોના મુદ્દે સાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી બેનર્જી સાથે વાતચીત કરી હતી. કોરોના વાયરસને કારણે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને કારણે સર્જાયેલા આર્થિક સંક્ટમાંથી બહાર નીકળવાના સંભવિત ઉપાયો અંગે બેનર્જી સાથે રાહુલ ગાંધીએ આ સંવાદ કર્યો હતો.
અભિજીત બેનર્જી સાથે સંવાદ દરમિયાન રાહુલ ગાંધીએ એમને પૂછ્યું હતું કે, લોકડાઉનની ગરીબો પર શું અસર પડશે? UPA શાસનકાળ દરમિયાન એક નીતિગત માળખું હતું પરંતુ હવે આવું દેખાઈ રહ્યું નથી.
એના જવાબમાં બેનર્જીએ કહ્યું કે, વાસ્તવિક સમસ્યા એ છે કે, યૂપીએ દ્વારા લાગૂ કરવામાં આવેલી નીતિઓ અપર્યાપ્ત સાબિત થઈ રહી છે. એ વાત સ્પષ્ટ છે કે, યૂપીએની નીતિઓનો આગળ ઉપયોગ થશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, યૂપીએ સરકાર દ્વારા ગરીબો માટે ‘મનરેગા’ જેવી યોજનાઓ શરુ કરવામાં આવી હતી કે જેનાથી ગરીબોની સ્થિતિમાં થોડો સુધારો આવ્યો હતો પરંતુ આ લોકડાઉન બાદ લાગે છે કે, કેટલાય લોકો પાછા ગરીબીમાં ચાલ્યા જશે.
બેનર્જીએ આનો જવાબ આપ્યો કે, હાલની સરકારે યૂપીએ સરકારની મોટાભાગની યોજનાઓને ચાલુ રાખી છે અને તે આજે પણ ચાલી રહી છે. પરંતુ તેનાથી પણ મોટી ચિંતાની વાત એ છે કે, આ તમામ યોજનાઓ લાગૂ હોવા છતાં પણ આપણે આજની સ્થિતિમાં પહોંચી ગયા છીએ.
એવા કેટલાય લોકો છે. વિશેષ કરીને પરપ્રાંતિય કે પ્રવાસી શ્રમિકો. યૂપીએના શાસનકાળના છેલ્લા વર્ષમાં આધાર યોજના આવી જેને વર્તમાન સરકાર પણ આગળ વધારી રહી છે જેથી પીડીએસ (રેશનિંગ) જેવી અન્ય વસ્તુઓ માટે રાષ્ટ્રીય સ્તર પર આનો ઉપયોગ કરી શકાય કે જેથી ગમે ત્યાં આનો ઉપયોગ થાય. આવું થાય તો ખૂબ સારી મુશ્કેલીઓથી બચી શકાયું હોત. આધાર બતાવીને લોકો પીડીએસનો લાભ પણ ઉઠાવી શકતા હતા. ભલે તેમનો જ પરિવાર માલદા અથવા દરભંગામાં હોય, એમ બેનર્જીએ કહ્યું.
રાહુલે પૂછ્યું કે, નાના અને મધ્યમ વ્યવસાયોથી નોકરી મળે છે પરંતુ હવે આની પણ સમસ્યા થઈ શકે છે. કેટલાય વ્યવસાયી દેવાળીયા થઈ શકે છે. કેશનો પ્રોબ્લમ આવી શકે છે. એટલે આ વ્યવસાયોને થનારા નુકસાન અને આ લોકોની નોકરી બચાવી રાખવાની ક્ષમતાનો સીધો સંબંધ છે.
આના જવાબમાં બેનર્જીએ કહ્યું કે, આ જ કારણ છે કે, આપણામાંથી ઘણા લોકો કહી રહ્યા છે કે પ્રોત્સાહન પેકેજની જરુર છે. અમેરિકા, બ્રિટન તથા યૂરોપના અન્ય દેશો પણ આ જ કરી રહ્યા છે. જ્યારે આપણે અત્યારસુધી આવો કોઈપણ નિર્ણય લીધો નથી. આપણે અત્યારે પણ જીડીપી પર 1 ટકા જ છીએ જ્યારે અમેરિકા 10 ટકાએ સુધી પહોંચી ગયું છે.
રાહુલ ગાંધીએ આ પહેલાં, ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે પણ સંવાદ કર્યો હતો. એ સંવાદમાં રાજને, કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનને સાવધાનીપૂર્વક ખતમ કરવાની ભલામણ કરતા કહ્યું હતું કે, ગરીબોની મદદ માટે સીધા તેમના ખાતામાં પૈસા મોકલવામાં જોઈએ. એનાથી સરકારને આશરે 65,000 કરોડ રુપિયા ખર્ચ થઈ શકે.