અહો આશ્ચર્યમઃ એક મંદિરમાં લિલામ થયું રૂ. 35,000માં લીંબુ

ચેન્નઈઃ  સામાન્ય રીતે લીંબુ સ્વાદ વધારવા માટે કામ આવે છે અને ઘરની સફાઈ માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. દેશનાં તમામ મંદિરો અને શિવાલયોમાં મહાશિવરાત્રિએ ભગવાન શંકરની પૂજા થાય છે. તેમની બીલી પત્ર, બોર, ધતૂરો અને દૂધ વગેરે ચઢાવવામાં આવે છે. તામિલનાડુમાં આ પ્રકારે ચઢાવવામાં આવેલી ચીજવસ્તુઓની લિલામી કરવામાં આવે છે.

આ વર્ષે મહાશિવરાત્રિ પછી જ્યારે લિલામી કરવામાં આવી તો એક લીંબુની કિંમત એટલી ઊપજી કે સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. આ લિલામીમાં એક લીંબુ માટે રૂ. 35,000ની બોલી લાગી હતી. મંદિરના પૂજારીએ લિલામીમાં સૌથી વધુ બોલી લગાવનારા આ વ્યક્તિને લીંબુ આપ્યું.

તામિલનાડુના ઇરોડના શિવગિરિમાં સ્થિત પજાપૂસિયન મંદિરની છે. અહીં શિવરાત્રિ પર ચઢાવવામાં આવતી ચીજવસ્તુઓની લિલામી કરવામાં આવે છે. આ વખતે લિલામીમાં આશરે 15 લોકોએ બોલી લગાવી. સૌથી વધુ બોલી એક લીંબુ માટે લગાવવામાં આવી. એના માટે રૂ. 35,000ની બોલી લગાવીને એક શ્રદ્ધાળુએ લીંબુને હાંસલ કર્યું.

લીંબુ ખરીદવા માટેની માન્યતા

આ લિલામ કરવામાં આવેલા લીંબુને મંદિરમાં ભગવાન શિવની સામે રાખવામાં આવ્યું હતું. અહીં માન્યતા છે કે લીંબુ હાસલ કરવાવાળા શ્રદ્ધાળુને આવનારા વર્ષમાં પુષ્કળ ધન-દોલત મળે છે અને એને સારા આરોગ્યના આશીર્વાદ પણ મળે છે. એને કારણે શિવરાત્રિએ આ લિલામીમાં લોકો ઉત્સાહભેર ભાગ લે છે અને જેતે ચીજવસ્તુઓની મોટી-મોટી બોલીઓ પણ બોલે છે.કંઈક આવી જ પ્રથા તિરુનવૈનવલ્લુરના બાલતંડાયુતપાની મંદિરમાં પણ છે. અહીં ઇષ્ટદેવ મુરુગાને માથે પણ લીંબુની લિલામી કરવામાં આવે છે. અહીં શિવરાત્રિ પર્વ પર નવ દિવસો સુધી એક ખીલી પર લીંબુ લગાવવામાં આવે છે અને છેલ્લા દિવસે આ લીંબુઓની લિલામી કરવામાં આવે છે. વર્ષ 2016માં એક લીંબુ માટે રૂ. 39,000ની બોલી લગાવવામાં આવી હતી.