UPમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં બુલડોઝર એક્શનને લઈને સુપ્રીમ કોર્ટે યોગી સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે UP સરકારને આદેશ કર્યો છે કે બુલડોઝરથી જેનું ઘર તોડ્યું છે, એને રૂ. 25 લાખનું વળતર ચૂકવવામાં આવે. આ મામલે CJIએ કહ્યું હતું કે ઘર તોડવામાં કોઈ પણ પ્રક્રિયાનું પાલન નથી કરવામાં આવ્યું.

કોર્ટે પણ આ મામલે ઉત્તર પ્રદેશ (UP) સરકારના અધિકારીઓના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે ઉત્તર પ્રદેશ (UP)ના મુખ્ય સચિવને મહારાજગંજ જિલ્લામાં મકાનોને ગેરકાયદે રીતે તોડી પાડવાના કેસની તપાસ કરવા જણાવ્યું હતું. બેન્ચ 2019 માં રોડ પહોળા કરવાના પ્રોજેક્ટ માટે મકાનો તોડી પાડવા સંબંધિત કેસની સુનાવણી કરી રહી હતી. બેન્ચે કહ્યું, તમે બુલડોઝર લાવીને અને રાતોરાત મકાનો તોડીને આવું ન કરી શકો.’ ખંડપીઠે કહ્યું, ‘તમે કાયદાનું પાલન કર્યા વિના કે નોટિસ આપ્યા વિના કેવી રીતે કોઈના ઘરમાં ઘૂસી શકો છો અને તેને તોડી શકો છો.

કોર્ટે રાજ્ય સરકારને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આદેશનો અમલ એક મહિનામાં કરવાનો રહેશે. બેન્ચે કહ્યું હતું કે તે સ્પષ્ટ છે કે ડિમોલિશન કાયદાની સત્તા વિના અને મનસ્વી રીતે કરવામાં આવ્યું હતું.

કોર્ટે કેસને મુલતવી રાખવાની ઉત્તર પ્રદેશ (UP) સરકારની વિનંતીને નકારી કાઢી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કેસનો ઝડપથી નિકાલ થવો જોઈએ, કારણ કે તમામ કાનૂની દસ્તાવેજો પહેલેથી જ રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટના મતે રાજ્ય સરકાર ડિમોલિશન શરૂ કરતાં પહેલાં હાઈવેની મૂળ પહોળાઈ, અતિક્રમણની હદ કે જમીન સંપાદનનો કોઈ પુરાવો બતાવી શકી નથી.