નવી દિલ્હીઃ દિલ્હીમાં ફટાકડા ફોડવા પર મૂકવામાં આવેલા સંપૂર્ણ પ્રતિબંધને પડકારતી ભાજપના નેતા મનોજ તિવારીએ નોંધાવેલી અરજીને સુપ્રીમ કોર્ટે આજે નકારી કાઢી છે. ન્યાયમૂર્તિ એમ.આર. શાહની આગેવાની હેઠળની બેન્ચે સુનાવણી વખતે કહ્યું કે, ‘લોકોને સ્વચ્છ હવા શ્વાસમાં લેવા દો. ઉજવણી કરવાના બીજા રસ્તાઓ પણ છે. મીઠાઈ ખાવામાં પૈસા ખર્ચો.’ તિવારીના એડવોકેટ શશાંક શેખર ઝાએ એવી દલીલ કરી હતી કે, ‘પરાળ સળગાવવાથી પણ પ્રદૂષણ વધી રહ્યું છે.’ ત્યારે ન્યાયાધીશોએ કહ્યું કે, ‘તે બાબતને અમે પછીથી સાંભળીશું.’
દિલ્હીમાં આ વર્ષે ફટાકડા વેચવા અને ફોડવા પર દિલ્હી પોલ્યૂશન કન્ટ્રોલ કમિટી દ્વારા સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હી સરકારે તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે અને 1 જાન્યુઆરી, 2023 સુધી અમલમાં રહે એ રીતે આ રાષ્ટ્રીય પાટનગરમાં ફટાકડા વેચવા, સંગ્રહ કરવા અને ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. અગાઉ દિલ્હી હાઈકોર્ટે આ પ્રતિબંધ ઉઠાવવાનો ઈનકાર કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં પીટિશન કરવામાં આવી હતી.