નવી દિલ્હીઃ સંસદની સુરક્ષામાં ચૂક મામલે ગૃહપ્રધાનના નિવેદનની માગ કરી રહેલો વિપક્ષનો હંગામો જારી છે. લોકસભાના ચેરનું અપમાન કરનારા કેટલાય સાંસદોને આજે ફરીથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એમાં નેશનલ કોન્ફરન્સના ફારુક અબદુલ્લા, કોંગ્રેસના શશિ થરૂર અને કાર્તિ ચિદંબરમ, સપા સાંસદ ડિમ્પલ યાદવ અને NCP સાંસદ સુપ્રિયા સુળેનું નામ પણ સામેલ છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કાર્યવાહીમાં અડચણ કરવા માટે આ સાસંદોને સસ્પેન્ડ કરી દીધા હતા.
લોકસભા-રાજ્યસભામાં હંગામાની વચ્ચે લોકસભામાં વિપક્ષના 49 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, અત્યાર સુધી કુલ 141 લોકસભાના સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લોકસભાની કાર્યવાહીને બે વાગ્યા સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.