BS-4 વાહનોના મામલે નિયમોમાં ઢીલથી સુપ્રીમ કોર્ટ ગુસ્સે ભરાઈ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દેશમાં BS-4ના માપદંડવાળાં વાહનોના વેચાણ અને રજિસ્ટ્રેશનની મંજૂરી આપવી નહીં, કારણ કે આ પ્રકારનાં વાહનોથી થતું પ્રદૂષણ ખતરનાક હોય છે અને લોકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર થાય છે. કોર્ટે 27 માર્ચના આદેશના ઉલ્લંઘન પર નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં કોરોના વાઇરસને પગલે લોકડાઉન હટાવ્યા પછી દિલ્હી સિવાય દેશમાં BS-4 વાહનોની સીમિત સંખ્યામાં વેચાણને 10 દિવસ માટે મંજૂરી આપવામાં આવી હતી. છેલ્લી તારીખ 31 માર્ચ હતી

કોર્ટે આ વર્ષે 27 માર્ચે કહ્યું હતું કે તે 25 માર્ચને લાગુ થયેલા લોકડાઉનને કારણે વ્યર્થ ગયેલા છ દિવસની ભરપાઈ કરવા માટે ના વેચાયેલાં BS-4નાં વાહનોના 10 ટકા વેચાણની મંજૂરી આપી રહી છે. સર્વોચ્ચ અદાલતે આ પહેલાં BS-4 માપદંડવાળાં વાહનોના વેચાણની સમયમર્યાદા 31 માર્ચ, 2020 નિર્ધારિત કરી હતી. કોર્ટે આવાં 1.05 લાખ ટૂ વ્હીલર્સ વાહનો, 2250 પેસેન્જર કારો અને 2000 કોમર્શિયલ વાહનોના રજિસ્ટ્રેશનને પણ મંજૂરી આપી હતી, જે વેચાઈ તો ગયા હતાં, પણ એમનું રજિસ્ટ્રેશન નહોતું થઈ શક્યું.

કોર્ટે 2018માં આદેશ આપ્યો હતો

સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર, 2018માં કહ્યું હતું કે ભારતમાં 1 એપ્રિલ, 2020થી કોઈ પણ BS-4 વાહનો વેચાવા ન જોઈએ. કેન્દ્રએ 2016માં કહ્યું હતું કે ભારત BS-5 માપદંડોવાળાં વાહનોથી છુટકારો મેળવશે અને 2020 સુધીમાં BS-6 માપદંડોવાળાં વાહનોને અપનાવશે.

કોર્ટને જાણ કર્યા વિના રજિસ્ટ્રેશન નહીં

ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીરની ખંડપીઠે સોમવારે આ મામલે સુનાવણી વિડિયો કોન્ફરન્સિંગથી કરતાં કહ્યું હતું કે એ ઉલ્લેખ ચોંકાવનારો છે કે ત્રીજી મે લોકડાઉન હટાવ્યા પછી જ્યારે વેચાણ થયું છે તો અમારા આદેશના અનુરૂપ દેશમાં કેટલાં વાહનોનાં વેચાણ થયાં છે, એની આ અદાલતને જાણ કર્યા વિના રજિસ્ટ્રેશન ના થઈ શકે.

BS-4 વાહનોનાં વેચાણ અને રજિસ્ટ્રેશન માટે મંજૂરી નહીં

ખંડપીઠે આદેશમાં કહ્યું છે કે એ સ્પષ્ટ કરવામાં આવે છે કે BS-4 વાહનોના કોઈ વેચાણ અને રજિસ્ટ્રેશનને મંજૂરી નથી. કોર્ટે કહ્યું છે કે 10 ટકામાંથી વેચાયેલાં વાહનોનાં રજિસ્ટ્રેશન કોર્ટ દ્વારા માર્ચમાં અપાયેલા આદેશના અનુરૂપ વિવરણ જમા કર્યા વગર ના થઈ શકે.

આદેશનું ઉલ્લંઘન

ખંડપીઠે કહ્યું હતું કે આ કોર્ટ દ્વારા (27 માર્ચે) આપવામાં આવેલા બીજા ભાગમાં સ્પષ્ટ ઉલ્લંઘન થયું છે. 13 જૂન, 2020એ અધૂરા એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. ખંડપીઠે કહ્યું છે કે એના આદેશના પહેલા હિસ્સાનું પણ ઉલ્લંઘન થયું છે.

19 જૂન આગામી સુનાવણી

ખંડપીઠે કેન્દ્ર દ્વારા વધારાના સોલિસિટર જનરલ એએનએસ નાડકર્ણીને આ વિશે બધી RTOથી વિગતો એકત્ર કરવા કહ્યું છે અને કોરોના વાઇરસને પગલે થયેલા લોકડાઉન હટાવ્યા બાદ દેશમાં કેટલા BS-4 વાહનો વેચાયાં છે. હવે આ મામલે આગામી સુનાવણી 19 જૂને થશે.