લદાખ સરહદે ચીની સૈનિકો સાથે અથડામણઃ 3 જવાન શહીદ

લદાખઃ આ કેન્દ્રશાસિત પ્રદેશના ગાલવાન ખીણવિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ગઈ કાલે રાતે ભારત અને ચીન વચ્ચે લશ્કરી તંગદિલી ઊભી થઈ હતી. બંને દેશના સૈન્યએ તે વિસ્તારમાંથી પોતપોતાના સૈનિકોને હટાવી લઈને તંગદિલી દૂર કરવાનું નક્કી કર્યું છે. તે (ડી-એસ્કેલેશન) પ્રક્રિયા ચાલુ હતી એ દરમિયાન બંને દેશના સૈનિકો હિંસક અથડામણ ફાટી નીકળી હતી. એમાં ભારતના એક લશ્કરી અધિકારી અને બે જવાન શહીદ થયા છે.

બાદમાં ભારતીય લશ્કરે નિવેદન આપ્યું હતું કે માત્ર ભારત જ નહીં, પણ ચીનના પક્ષે પણ જાનહાનિ થઈ છે.

આમ, ભારતે ચીનને એની જ ભાષામાં વળતો જવાબ આપ્યો છે. ભારતના વળતા પ્રહારમાં ચીનના પાંચ સૈનિક માર્યા ગયા છે.

45 વર્ષ પછી પહેલી જ વાર ભારત અને ચીનના લશ્કર વચ્ચે હિંસક અથડામણ થઈ છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, સેનાની ત્રણેય પાંખના વડા અને વિદેશપ્રધાન ડો. એસ. જયશંકર સાથે વાતચીત કરી હતી.

ભારત પક્ષે શહીદ થનાર 3 જવાનમાં એક કર્નલ રેન્કના અધિકારી છે તથા અન્ય બે જવાન છે. શહીદ અધિકારી આર્મીની ઈન્ફન્ટ્રી બટાલિયનના કમાન્ડર હતા.