કોરોનાના 10,667 નવા કેસ, 380નાં મોત

નવી દિલ્હીઃ વિશ્વના તમામ દેશોની સાથે ભારતમાં પણ કોરોના વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા 3,43,091 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 10,667 નવા કેસો સામે આવ્યા છે અને 380 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી 9920 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે 1,80,013 દર્દીઓ આ બીમારીને હરાવવામાં સફળ થયા છે. રિકવરી રેટ વધીને 52.46 ટકાએ પહોંચ્યો છે.

દિલ્હીના સ્વાસ્થ્યપ્રધાન હોસ્પિટલમાં દાખલ

દિલ્હીના સ્વાસ્થ્યપ્રધાન સત્યેન્દ્ર જૈનની અચાનક તબિયત ખરાબ છતાં દિલ્હીસ્થિત રાજીવ ગાંધી સુપરસ્પેશિયલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને તાવ હતો અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી, જેથી તેમને કોરોના સંક્રમણની આંશકા દર્શાવવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 81 લાખને પાર

વિશ્વમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 81 લાખને પાર થઈ ગઈ છે. એ આંકડો દરરોજ વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં 4,39,061 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધી આ બીમારીમાંથી  42,13,284 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.