ગેંગસ્ટર છોટા શકીલની બીજી બહેનનું પણ કોરોનાથી મૃત્યુ

મુંબઈઃ અન્ડરવર્લ્ડ ડોન, મુંબઈના 1993ના બોમ્બ બ્લાસ્ટ્સના આરોપી દાઉદ ઈબ્રાહિમના સાગરિત અને કુખ્યાત ગેંગસ્ટર છોટા શકીલની મોટી બહેન હમિદાનું મૃત્યુ થયું છે. કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાને કારણે એનું મૃત્યુ થયું છે. પડોશના થાણે જિલ્લાના મુંબ્રા શહેરની એક હોસ્પિટલમાં એની સારવાર ચાલુ હતી.

ગયા મહિને છોટા શકીલની નાની બહેન ફહમિદા શેખનું પણ કોરોના મહાબીમારીને કારણે મૃત્યુ થયું હતું. આમ, એક મહિનાની અંદર છોટા શકીલની બંને બહેનનું મૃત્યુ થયું છે.

કહેવાય છે કે છોટા શકીલ એના પરિવાર સાથે કરાચીમાં રહે છે.

થોડા દિવસ પહેલા અહેવાલો હતા કે દાઉદ ઈબ્રાહિમનું કોરોના વાઈરસને કારણે મૃત્યુ થયું છે, પણ ગુપ્તચર વિભાગ તરફથી એ વિશે કોઈ સમર્થન આવ્યું નથી.

ગયા મહિને ફહમિદા શેખનું ન્યુમોનિયાને કારણે અવસાન થયું હતું. એણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ કરી હતી. અમુક અહેવાલોનો એવો દાવો હતો કે બ્રેઈન હેમરેજની સારવાર દરમિયાન એને ન્યૂમોનિયા થયો હતો. એનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે એ વખતે એના ડ્રાઈવર અલ્તાફનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. એને કારણે, થાણેના મ્યુનિસિપલ કમિશનરે ફહમિદાનાં પતિ આરીફ અબૂબકર શેખ ઉર્ફે આરીફ ભાઈજાનનો બંગલો થોડા સમય માટે સીલ કરી દીધો હતો.