રાણેને પ્રધાનમંડળમાંથી દૂર કરોઃ શિવસેના (પીએમ મોદીને)

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ‘થપ્પડ મારવી જોઈએ’ એવું નિવેદન કરવા બદલ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે વિરુદ્ધ શિવસેના પાર્ટીએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી છે અને લેખિતમાં માગણી કરી છે કે રાણેને પ્રધાનમંડળમાંથી બરતરફ કરવામાં આવે. રાણે કેન્દ્રીય પ્રધાનમંડળમાં લઘુ તેમજ મધ્યમ કદના ઉદ્યોગોના ખાતાના કેબિનેટ કક્ષાના પ્રધાન છે. શિવસેનાના સંસદસભ્ય અને લોકસભામાં પાર્ટીના નેતા વિનાયક રાઉતે મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાણેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન વિશે વાપરેલી ભાષાને અમે સખત રીતે વખોડી કાઢીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, રાણેએ ગઈ કાલે મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના મહાડમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતાં એમ કહ્યું હતું કે, ‘આ કઈ જાતના મુખ્ય પ્રધાન છે, જેમને દેશના સ્વાતંત્ર્ય દિવસની પણ ખબર નથી. જો હું ત્યાં હોત તો એમને થપ્પડ મારી હોત.’ વિનાયક રાઉતે મોદીને લખેલા પત્રમાં લખ્યું છે કે, ‘કેન્દ્રીય પ્રધાન તરીકે પોતાની માન-મર્યાદા ન સમજતા રાણે જેવા માણસને કેન્દ્રીય પ્રધાન તરીકે હોદ્દા પર ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી. આવી ભાષા વાપરીને એ જનતાને કયા પ્રકારનો સંદેશ પહોંચાડવા માગે છે એ મને સમજાતું નથી. આ તો વડા પ્રધાનનું પણ અપમાન કહેવાય.’ આમ કહીને રાઉતે મોદીને વિનંતી કરી છે કે તેઓ રાણેને એમની કેબિનેટમાંથી તત્કાળ દૂર કરે.

દરમિયાન, મહારાષ્ટ્રના નાશિક શહેરમાં શિવસેનાના કેટલાક કાર્યકર્તાઓએ ભાજપના કાર્યાલય પર પથ્થરમારો કર્યો હતો અને રાણે વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

રાણે સામે પુણે અને મહાડ શહેરોમાં પોલીસે એફઆઈઆર નોંધી છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે અમે રાણેની ટિપ્પણીને ટેકો આપતા નથી. દેશના સ્વાતંત્ર્યના અમૃત મહોત્સવ વર્ષને યાદ ન રાખવા બદલ કોઈ પણ વ્યક્તિ ગુસ્સે થઈ જાય એ સ્વાભાવિક છે.