RSS પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએઃ કોંગ્રેસઅધ્યક્ષ ખડગે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર ફરીથી પ્રતિબંધ લગાવવામાં આવવો જોઈએ, કારણ કે દેશમાં કાયદો અને વ્યવસ્થા સંબંધિત મોટા ભાગની ગડબડીઓ માટે આ જ સંસ્થા જવાબદાર છે, એમ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું. તેમણે એ પણ કહ્યું હતું કે આ તેમના વ્યક્તિગત વિચારો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના એક નિવેદન અંગે પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું હતું કે મારો વ્યક્તિગત મત છે કે (RSS પર) પ્રતિબંધ લગાવવો જોઈએ.

દેશમાં કાયદો વ્યવસ્થા સંબંધિત મોટા ભાગની ગડબડીઓ માટે RSS અને BJP જવાબદાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખોટાને સાચામાં બદલવામાં માહેર છે. પટેલે ભારતના ધર્મનિરપેક્ષ અને લોકશાહી સ્વરૂપની રક્ષાને ધ્યાનમાં રાખીને RSS ને પ્રતિબંધિત કરી હતી. તમે (BJP) દરેક બાબતમાં કોંગ્રેસને દોષ આપો છો, તો તમારા કરતૂત પણ જોઈ લો. સત્યને જેટલું દબાવશો, એટલું જ તે બહાર આવશે, એમ તેમણે કહ્યું હતું.

નેહરુ અને પટેલ વચ્ચે હતા સારા સંબંધો

તેમનું કહેવું હતું કે તેઓ (વડા પ્રધાન અને ભાજપ) હંમેશાં સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચે ઝઘડો બતાવવાનો પ્રયાસ કરે છે, જ્યારે નેહરુ અને પટેલ વચ્ચેનાં સંબંધો બહુ સારા હતા અને પટેલે નેહરુને જનતાના નેતા ગણાવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું કે સરદાર પટેલ અન્ય રજવાડાંઓ જેવી રીતે આખું કાશ્મીર ભારત સાથે જોડવા માગતા હતા, પરંતુ એ સમયે પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુએ એવું થવા દીધું નહોતું. સરદાર પટેલ આખા કાશ્મીરનું એકીકરણ કરવા માગતા હતા જેમ તેમણે અન્ય રજવાડાઓ સાથે કર્યું હતું. પરંતુ નેહરુજી એ તેમની ઇચ્છા પૂર્ણ થવા દીધી નહોતી. કાશ્મીરનું વિભાજન થયું, તેને અલગ બંધારણ અને અલગ ધ્વજ આપવામાં આવ્યો અને કોંગ્રેસની આ ભૂલને દેશને દાયકાઓ સુધી ભોગવવી પડી હતી, એમ તેમણે કહ્યું હતું.