સટ્ટાબજારમાં લોકસભા ચૂંટણી પરિણામો પર રૂ. 300 કરોડ લાગ્યા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મતદાન પછી હવે સૌની નજર ચૂંટણી પરિણામો પર છે. મોટા ભાગના એક્ઝિટ પોલ BJP ગઠબંધન (NDA)ને 350થી વધુ સીટો આપી રહ્યા છે. ભાજપને 300 કરતાં વધુ અને કોંગ્રેસને 64 સીટો જીતવાનો અંદાજ છે.

ફલોદી સટ્ટાબજારમાં ભાજપને 303-305 સીટો, NDAને 350-355 સીટો મળવાની સંભાવના છે. આ સાથે ગુજરાતમાં ભાજપને 26 બેઠકો, કર્ણાટકમાં 20-22 સીટો અને રાજસ્થાનમાં 19-20 સીટ ભાજપને મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસને 5-6 સીટો આવવાની સંભાવના છે.

ફલોદી સટ્ટાબજારમાં મધ્ય પ્રદેશમાં 25-27 સીટો, હરિયાણામાં 5-6 સીટો, ઓડિશામાં 11-12 સીટો, હિમાચલ અને ઉત્તરાખંડમાં બધી સીટો, ઝારખંડ અને છત્તીસગઢમાં 10-11 સીટો અને દિલ્હીમાં 5-6 સીટો મળવાનું અનુમાન છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ ગઠબંધનને 7-75 સીટો અને ઇન્ડિયા ગઠબંધનને 5-10 સીટો મળવાની શક્યતા છે.

PM મોદીની હારજીત પર સૌથી મોટો દાવ

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી UPની વારાણસી સીટથી સતત બે વાર (2014 અને 2019) જીત્યા છે. આ વખતે પણ તેઓ કાશીથી તો હેટટ્રિક કરે એવી સંભાવના છે. લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલનાં પરિમામો પછી સટ્ટા બજાર વધુ ગરમાયું છે. સટ્ટાબજારમાં રૂ. 300 કરોડથી વધુની રકમ દાવ પર લાગી ચૂકી છે, એમાં પણ સૌથી મોટો દાવ વડા પ્રધાન મોદીની વારાણસી સીટ પર લાગ્યા છે. વડા પ્રધાન મોદીની જીત પર રૂ. એક લાખ લગાવવા પર રૂ. 2000ના નફાનો રેટ છે. આ સાથે મોદીની હાર પર સર્વાધિક ભાવ છે. તેઓ હારે તો રૂ. એક લાખ લગાવવા પર રૂ. 3.50 લાખ મળશે.

રસપ્રદ વાત એ છે કે PM મોદીની જીત-હારથી વધુ તેમના માર્જિન પર દાવ લગાવવામાં આવ્યો છે. જો મોદી રૂ. બે લાખના અંતરથી જીતે તો સટ્ટામાં રૂ. એક લાખથી રૂ. 1.50 લાખ મળશે. જો તેઓ ત્રણ લાખથી વધુ માર્જિનથી જીતે તો પૈસા બે ગણા થઈ જશે.

મોદીની જીતનું માર્જિન 2019માં 4.79 લાખ (મત) હતા, જ્યારે 2014માં એ 3.71 લાખ હતા.

ફલોદી સટ્ટા બજારથી વિપરીત મુંબઈ સટ્ટાબજારમાં દેશમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને 300થી વધુ સીટો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, જ્યારે ફલોદી સટ્ટાબજારમાં NDAને સ્પષ્ટ બહુમત મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે.