એલોપેથી વિરુદ્ધ ટિપ્પણીઃ તમામ-કેસોને રામદેવનો સુપ્રીમમાં પડકાર

નવી દિલ્હીઃ એલોપેથી સારવાર અને દવાઓ અંગે પોતે કરેલી ટિપ્પણી બદલ એમની સામે કરાયેલા પોલીસ કેસોને સ્થગિત કરી દેવાની યોગગુરુ બાબા રામદેવે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે. દેશભરમાં પોતાની સામે નોંધવામાં આવેલી તમામ પોલીસ એફઆઈઆરને સાથે જોડી દેવા અને તેમને દિલ્હીમાં ટ્રાન્સફર કરવામાં આવે એવી માગણી પણ રામદેવે કરી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે બાબા રામદેવે કોવિડ-19 સામે એલોપેથી દવાઓની અસરાકારકતાની વિરુદ્ધમાં કમેન્ટ્સ કરીને ગયા મહિને વિવાદ જગાવ્યો હતો. વ્યાપક રીતે સોશિયલ મિડિયા પર શેર થયેલા વિડિયોમાં રામદેવને એવું બોલતા સાંભળી શકાયા છે કે એલોપેથીક દવાઓ લેવાને કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા છે. એની સામે સારવાર મેળવી ન શકવા બદલ કે ઓક્સિજન ન મળવાથી ઓછા લોકો મૃત્યુ પામ્યા છે. રામદેવે એમ પણ કહ્યું હતું કે એલોપેથિક દવાઓ સ્ટુપિડ જેવી છે. એમના આ વિધાનને કારણે દેશભરમાં ડોક્ટરો ભડકી ગયા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના અનેક એકમોએ રામદેવ સામે દેશમાં અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.