જમ્મુ-કશ્મીરના નેતાઓ સાથે આજે મોદીની સર્વ-પક્ષીય બેઠક

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરની રાજકીય પરિસ્થિતિમાં સંભવિત ફેરફારો અંગે ચર્ચા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કશ્મીરના ટોચના નેતાઓની આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક આજે બપોરે મોદીના સત્તાવાર નિવાસસ્થાને યોજાશે. જમ્મુ-કશ્મીરમાં બંધારણની 370મી કલમ દૂર કરી દેવાયા બાદ વડા પ્રધાને આ પહેલી જ વાર કશ્મીરી નેતાઓની આ રીતે બેઠક બોલાવી છે. પ્રદેશને રાજ્યનો દરજ્જો પ્રસ્થાપિત કરાવવા તથા રાજકીય પ્રક્રિયા ફરી શરૂ કરવાના મુદ્દાઓ પર આજની બેઠકમાં ચર્ચા થવાની ધારણા છે. ભાજપ-પીડીપી ગઠબંધન તૂટી ગયા બાદ 2018ની સાલથી જમ્મુ-કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.

આ બેઠકમાં 14 નેતાઓ હાજર રહેવાના છે, જેમાં નેશનલ કોન્ફરન્સના ડો. ફારુક અબ્દુલ્લા, પીડીપી પાર્ટીનાં વડાં મેહબૂબા મુફ્તી, પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન અને મુઝફ્ફર હુસેન બેગ, કોંગ્રેસના ગુલામ નબી આઝાદ, અપની પાર્ટીના નેતા અલ્તાફ બુખારી, જે એન્ડ કે પેન્થર્સ પાર્ટીના ભીમસિંહનો સમાવેશ થાય છે. બેઠકમાં ભાજપના જમ્મુ-કશ્મીર એકમના નેતાઓ – કવિન્દર ગુપ્તા, નિર્મલ સિંહ અને રવિન્દર સિંહ પણ હાજર રહેશે. જમ્મુ-કશ્મીરના વહીવટીતંત્રએ આ બેઠકને ધ્યાનમાં લઈને 48 કલાક માટે હાઈ એલર્ટ ઘોષિત કર્યું છે અને પ્રદેશમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરાવી દીધી છે. 20 જિલ્લાઓમાં સુરક્ષા બંદોબસ્ત કડક બનાવી દેવામાં આવ્યો છે. નિયંત્રણ રેખા પરના વિસ્તારોને પણ હાઈ એલર્ટ સ્થિતિમાં મૂકી દેવાયા છે.