રાજસ્થાન ચૂંટણીઃ ભાજપ, કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર

જયપુરઃ રાજસ્થાન વિદાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે સરદારપુરાથી મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને ટોંકથી સચિન પાઇલટ અને નાથવાડાથી વિધાનસભાના અધ્યક્ષ સીપી જોશીને ટિકિટ આપી છે જ્યારે ભાજપે વસુંધરા રાજેને ઝલરાપાટનથી ઉમેદવાર બનાવ્યાં છે.  

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 33 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં આ સિવાય ગોવિંદ સિંહ દોતાસરા લછમનગઢથી અને મુકેશ ભાકર લડનુનથી ચૂંટણી લડશે. કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં પાંચ મંત્રીઓને સ્થાન આપ્યું છે, જ્યારે બે ધારાસભ્યોની ટિકિટ રદ કરી છે. ચિત્તોડથી ચંદ્રભાન સિંહ અને સાંગાનેરથી અશોક લાહૌતીની ટિકિટ રદ કરવામાં આવી છે. આ સિવાય સંતોષ અહલાવતને સૂરજગઢથી ટિકિટ આપવામાં આવી છે.

200 વિધાનસભા સીટ માટે કોંગ્રેસે પહેલી યાદીમાં માત્ર 33 ઉમેદવારો જ જાહેર કર્યા છે. આ નામોમાં 32 નામ તો ગયા વખતના જ રિપીટ કરવામાં આવ્યા છે.

ભાજપે પણ 83 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજેને  પણ ટિકિટ આપી છે. ભાજપે પ્રથમ યાદીમાં 10 મહિલાઓ, 15 અનુસૂચિત જનજાતિ અને 10 અનુસૂચિત જાતિના ઉમેદવારોને ટિકિટ આપી હતી. પાર્ટીએ તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા જ્યોતિ મિર્ધાને પણ ટિકિટ આપી છે. મિર્ધાને નાગૌરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ નાથદ્વારાથી વિશ્વરાજ સિંહ મેવાડને ટિકિટ આપી છે.