અન્ય રાજ્યોમાં ફસાયેલા માછીમારો માટે રાહુલ ગાંધીની અપીલ

નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના કેટલાક માછીમારો લોકડાઉનના કારણે ગુજરાતમાં ફસાઈ ગયા છે અને તેઓ પોતાના ધરે પહોંચવા માંગે છે. આ માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પાસેથી મદદ માંગી છે. કોંગ્રેસ નેતાએ આ માછીમારોને રાહત શિબિરોમાં મોકલવાની ભલામણ કરી છે. તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે દક્ષિણી રાજ્યોના આશરે 6000 જેટલા માછીમારો ગુજરાતમાં રહેવા માટે મજબૂર છે. તેમને ન તો રહેવાની વ્યવસ્થા છે અને ન તો તેમને ભોજન મળી રહ્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વીટર પર કહ્યું કે, એક મહિનાથી વધારે સમયથી આંધ્રપ્રદેશના 6000 થી વધારે માછીમારો ગુજરાતમાં ફસાયેલા છે. હું સરકારને અપીલ કરું છું કે, મારા એ ભાઈઓને રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવે અને તેમને સુવિધાજનક માહોલ પ્રદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવે.

આ પ્રકારે આંદામાનમાં તમિલનાડુના માછીમારો ફસાયેલા છે. તેમને પણ ત્યાં ખાવા માટે કશું જ મળી રહ્યું નથી. NFF ના ચેરપર્સન એમ ઈલાંગોએ કેન્દ્ર સરકાર પાસેથી મદદની માંગ કરતા કહ્યું કે, તમિલનાડુથી આશરે 400 માછીમારો પોતાની બોટ સાથે અંડમાન ગયા હતા અને લોકડાઉનની જાહેરાત બાદથી જ તે લોકો ત્યાં ફસાયા છે. ઈલાંગોએ રાજ્ય અને કેન્દ્ર સરકારોને તેમને સુરક્ષિત પોતાના ઘર સુધી પહોંચાડવાની અપીલ કરી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, શનિવાર સુધી ગુજરાતમાં કુલ સંક્રમિત કેસો 2815 થઈ ગયા કે જેમાંથી 265 જેટલા સ્વસ્થ થયા અને 127 જેટલા લોકોના મોત થયા છે. તો આંધ્રપ્રદેશમાં સંક્રમણના કુલ કેસો 955 જેટલા છે. આ પૈકી 145 જેટલા લોકો સ્વસ્થ થઈ ગયા છે અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 29 છે.