લોકડાઉન દરમ્યાન કઇ દુકાનો ખોલવા છૂટછાટ અપાઇ?

નવી દિલ્હીઃ દેશભરમાં લગાવવામાં આવેલા લોકડાઉનની વચ્ચે ગૃહ મંત્રાલયે શુક્રવારે કેટલીક દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. ગૃહ મંત્રાલયનાં પ્રવક્તાએ સ્પષ્ટીકરણે કર્યું હતું કે જે દુકાનો માલસામાન વેચી રહી છે  એ ખોલી શકાશે, પણ જે દુકાનો સે્વા આપી રહી છે, જેમ કે સલૂન, બ્યુટી, ટ્રીટમેન્ટ અને સ્પાને ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી. મંત્રાલયના નવા આદેશ મુજબ કોઈ પણ રેસ્ટોરાં ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી.

ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે ગ્રામીણ ક્ષેત્રોમાં બધી દુકાનો ખોલવાની મંજૂરી છે. જોકે શોપિંગ મોલમાં દુકાનો આમાં સામેલ નથી. શહેરી ક્ષેત્રોમાં બધી એકલદોકલ દુકાનો, આસપાસની દુકાનો અને રહેઠાણો સ્થિત દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે બજારો-સાપ્તાહિક બજારો અને શોપિંગ મોલમાં સ્થિત દુકાનોને ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી.

ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે ઈ-કોમર્સ કંપનીઓને માત્ર આવશ્યક ચીજવસ્યુઓના વેચાણને મંજૂરી છે. એ પણ સ્પષ્ટ કર્યું હતું કે દારૂના વેચાણની સાથે-સાથે અન્ય ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધિત રહેશે. જોકે મંત્રાલયના દિશા-નિર્દેશો અનુસાર રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે વિસ્તારોમાં કોરોના કેસ વધુ છે એટલે કે હોટ સ્પોટ વિસ્તારોમાં દુકાનો ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી.

લોકડાઉન હજી ત્રીજી મે સુધી લાગુ છે. કેટલાંક રાજ્યો એને વધારવા માટે મન બનાવી લીધું છે. જેમાં લોકડાઉન દરમ્યાન માત્ર જરૂરી માલસામાનવાળી દુકાનોને જ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. આમાં કરિયાણું અને શાકભાજી અને ફળફળાદિની દુકાનો ખૂલી રાખી શકાશે. લોકડાઉનને લીધે દુકાનો બંધ રહેતાં વેપારીઓને કરોડોનું નુકાસન થઈ ચૂક્યું છે.