વડાપ્રધાન બને તો શું હશે રાહુલનો પહેલો-નિર્ણય?

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે કેટલાક શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે દિવાળી નિમિત્તે ડિનરનું આયોજન કર્યું હતું, જેઓ તામિલનાડુના કન્યાકુમારી જિલ્લાની સેન્ટ જોસેફ્સ મેટ્રિક હાયર સેકન્ડરી સ્કૂલનાં છે. તે ડિનર વખતે થયેલી વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ પોતે દેશના વડા પ્રધાન બને તો એમની સરકારનો પહેલો ઓર્ડર શું હશે તે વિશે એમના મંતવ્યો રજૂ કર્યા હતા.

તે વાર્તાલાપ અને ડિનરનો એક-મિનિટ જેટલો વિડિયો રાહુલ ગાંધીએ સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. ‘ધારો કે તમે અમારા વડા પ્રધાન બનો એ પછી તમારી સરકારનો પહેલો ઓર્ડર કયો હશે?’ એવા સવાલના જવાબમાં રાહુલ કહેતા દેખાય છે કે જો પોતે વડા પ્રધાન બનશે તો એમનો પહેલો ઓર્ડર મહિલાઓ માટે અનામત પ્રથા શરૂ કરવાનો હશે. એમણે કહ્યું, ‘હું દેશની મહિલાઓ અને બાળકોનાં કલ્યાણ પર મારું ધ્યાન કેન્દ્રિત કરીશ. હું મહિલાઓને અનામતનો લાભ અપાવીશ. જો મને કોઈ એમ પૂછે કે તમે તમારા બાળકને શું શીખડાવશો? તો એક જ બાબત – હું કહીશ માનવતા, કારણ કે માનવતામાંથી જ તમે સમજદારી મેળવી શકો છો.’