મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખને 14 દિવસની જેલ

મુંબઈઃ મુંબઈની એક વિશેષ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખને 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ મની લોન્ડરિંગ કેસમાં EDએ તેમની કસ્ટડીની વિનંતી કરી હતી, પણ કોર્ટે તપાસ એજન્સીની અરજીને ફગાવી દેતાં તેમને ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા હતા. EDએ 6ઠ્ઠી નવેમ્બરે દેશમુખની ધરપકડ કરી હતી., પણ EDની હિરાસત પૂરી થયા પછી એજન્સીએ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
આ પહેલા EDએ અનિલ દેશમુખના પુત્ર ઋષિકેશ દેશમુખનr પૂછપરછ માટે એજન્સી સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યા હતા.

EDએ CBI દ્વારા 21 એપ્રિલે NCPના નેતાની સામે FIR નોંધાયા પછી દેશમુખ અને તેમના સાથીઓ સામે તપાસ શરૂ કરી હતી. CBIએ દેશમુખ પર ભ્રષ્ટાચાર અને સત્તાવાર પદના દુરુપયોગના આરોપોમાં FIR નોંધ્યો હતો.

EDનો આરોપ છે કે દેશમુખે રાજ્યના ગૃહપ્રધાનના પદે રહેવા દરમ્યાન સત્તાવાર પદનો દુરુપયોગ કર્યો અને બરખાસ્ત કરવામાં આવેલા પોલીસ અધિકારી સચિવ વાઝે દ્વારા મુંબઈમાં વિવિધ બારો અને રેસ્ટોરાંમાં રૂ. 4.70 કરોડથી વધુ વસૂલ્યા હતા. EDએ આ કેસમાં બે વધુ વ્યક્તિઓ- સંજીવ પલાંદે અને કુંદન શિંદેની પણ ધરપકડ કરી છે અને બંને ન્યાયિક હિરાસતમાં છે.

આ ઘટનાક્રમમાં ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી દાવો કર્યો હતો કે અનિલ દેશમુખ જ્યારે ગૃહપ્રધાન હતા ત્યારે દર મહિને સચિન વાઝેને 100 કરોડ રૂપિયા આપવાની માગ કરી હતી.