અહમદનગરની હોસ્પિટલમાં આગ લાગવાથી 10-કોરોના દર્દીઓનાં મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના અહમદનગરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ICU વોર્ડમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 10 દર્દીઓનાં મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રૂપે ઘાયલ થઈ હતી. જોકે આગ લાગવાથી હોસ્પિટલના ICUમાં દાખલ દર્દીઓને અન્ય જ્ગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. આ આગમાં માર્યા ગયેલા લોકોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ હોસ્પિટલમાં આગ કેવી રીતે આગ લાગવાનું કારણ અત્યાર સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું, પણ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જે વોર્ડમાં આગ લાગી હતી, એ કોવિડ-વોર્ડ હતો. ફાયરબ્રિગ્રેડ વિભાગની તપાસ જારી છે. જોકે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં આગ સવારે 10.30 કલાકની આસપાસ લાગી હતી.

અહમદનગરના જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર ભોસલેએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે દર્દીઓને અન્ય હોસ્પિટલના કોવિડ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલના બિલ્ડિંગનું ફાયર ઓડિટ કરવામાં આવ્યું હતું.

 

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અહમદનગરમાં આગની દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના અહમદનગરની સિવિલ હોસ્પિટલમાં થયેલી હ્રદયદ્વાવક દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. દુઃખના આ સમયે મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારોની સાથે છે અને ઈશ્વર ઘાયલોને જલદી ઠીક કરે એવી પ્રાર્થના કરું છું.