દિવાળીએ 10-વર્ષનો રેકોર્ડ તૂટ્યોઃ રૂ. 1.25 લાખ કરોડનું વેચાણ

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે નરમ અને ઓછા ઉત્સાહથી દિવાળી ઊજવ્યા પછી આ વર્ષે દિવાળીના તહેવારોમાં લોકોએ ધૂમ ખરીદી કરી હતી. જેને કારણે તહેવારોમાં વેપાર રૂ. 1.25 લાખ કરોડના સ્તરે પહોંચ્યો હતો. આ વર્ષે વેપારી આંકડાએ દિવાળીએ ગયા 10 વર્ષના વેચાણનો રેકોર્ડ તોડ્યો હતો, એમ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ જણાવ્યું હતું.

આશરે સાત કરોડ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતી વેપારી સંસ્થાએ કહ્યું હતું કે દિવાળી 2021ના આશ્ચર્યજનક વેચાણે છેલ્લાં બે વર્ષની આર્થિક મંદીને દૂર કરી છે. દિવાળીએ પ્રોત્સાહક વેચાણના ઉત્સાહથી હવે વેપારીઓએ 14 નવેમ્બરથી શરૂ થતી લગ્નની સીઝનની તૈયારી શરૂ કરી કરી રહ્યા છે.

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાએ જણાવ્યું હતું કે આ વર્ષ દિવાળીએ દેશમાં આશરે રૂ. 1.25 લાખ કરોડના અંદાજે વેપાર થયો છે. દિલ્હીમાં આ વેપાર આશરે રૂ. 25,000 કરોડના થયા છે. વળી, દેશમાં આ વખતે કોઈ ચાઇનીઝ માલસામાન નથી વેચવામાં આવ્યો. દેશમાં સ્વદેશી માલસામાનની ખરીદીને લીધે ચીનને રૂ. 50,000 કરોડથી વધુનું નુકસાન ભોગવવું પડ્યું છે.

આ વર્ષે દિવાળીએ પારંપરિક ચીજવસ્તુઓ જેવી કે માટીના દીવા, લેમ્પ અને મીણબત્તીઓ વગેરેની માગને કારણે ભારતીય કારીગરોને સારો વેપાર થયો છે. આ સિવાય ઘર સજાવટનો માલસામાન, મીઠાઈઓ, સૂકા ડ્રાયફ્રૂટ, કપડાં, ઘડિયાળો અને રમકડાં જેવાં અન્ય ઉત્પાદનોની માગ બહુ હતી.

આ દિવાળી સોનાનાં આભૂષણો અને ચાદીનાં ઘરેણા અથવા વાસણોનું રૂ. 9000 કરોડનાં વેચાણ થયાં હતાં. આ સિવાય રૂ. 15,000 કરોડના પેકેજિંગ ચીજવસ્તુઓનાં વેચાણ થયાં છે.