વાનખેડેના પિતાનો નવાબ મલિક પર માનહાનિનો કેસ

મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઈ ઝોનના ડાયરેક્ટર સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ મહારાષ્ટ્રના પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા નવાબ મલિક સામે મુંબઈ હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો માંડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના અલ્પસંખ્યક સમુદાયોના પ્રધાન નવાબ મલિકે એવો દાવો કર્યો છે કે ભાજપના નેતા મોહિત કંબોજ ખંડણી (વસૂલી) કૌભાંડના સૂત્રધાર છે અને સમીર વાનખેડેના ભાગીદાર છે. મલિકે એવો પણ આક્ષેપ કર્યો છે કે સમીર વાનખેડે જન્મથી મુસ્લિમ છે, પરંતુ યૂપીએસસી પરીક્ષા પાસ કર્યા બાદ અનામત પ્રથા હેઠળ નોકરી મેળવવા માટે પોતાને અનુસૂચિત જાતિના સભ્ય તરીકે સ્થાપિત કરવા એમણે જાતિપ્રેરિત સર્ટિફિકેટ સહિત નકલી દસ્તાવેજો આપ્યા હતા.