કેન્દ્ર-સરકારે ઝાઈડસ-કેડિલાની કોવિડ-રસીના 1-કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ ઝુંબેશમાં આ જ મહિનાથી અમદાવાદસ્થિત ઝાઈડસ કેડિલા કંપનીની ત્રણ-ડોઝવાળી કોવિડ-રસી ZyCoV-Dનો પણ સમાવેશ થવાનો છે. કેન્દ્ર સરકારે આ કંપનીને એક-કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો હોવાની સત્તાવાર સૂત્રો તરફથી જાણકારી પ્રાપ્ત થઈ છે. સરકાર દરેક ડોઝ રૂ. 358ની કિંમતે ખરીદશે. આ કિંમતમાં રસી આપવા માટે ઉપયોગમાં લેવામાં આવનાર ડિસ્પોઝેબલ પીડારહિત જેટ એપ્લિકેટરના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ઝાઈકોવ-ડી દુનિયાની પહેલી જ રસી છે ડીએનએ-આધારિત છે. આ રસી સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવી છે અને 12 વર્ષથી વધુની વયનાં લોકોને આપવામાં આવશે. ભારતની ડ્રગ રેગ્યૂલેટર એજન્સીએ આ રસીને માન્યતા આપી છે. જોકે શરૂઆતમાં પુખ્ત વયના લોકોને જ આ રસી આપવામાં આવશે.