આર્ટ ઓફ લિવિંગ સંસ્થાન નિર્મિત ગુજરાતી એલીમેન્ટ્સ એપનું વિમોચન

અમદાવાદઃ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાન દ્વારા, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં સંસ્થા દ્વારા નિર્મિત એલીમેન્ટ્સ એપ-ગુજરાતી ઈ-લોન્ચના પ્રસંગે ગુજરાતના પ્રતિભાશાળી કલાકારોની વિશેષ બેઠકનું ગઈ 6 નવેમ્બરે આર્ટ ઓફ લિવિંગ, ગુજરાત આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતી એલીમેન્ટ્સ એપનું વિમોચન કર્યું હતું. એમણે જણાવ્યું કે “આ એપ લોકોને એક બીજા સાથે જોડવામાં મદદરૂપ થશે તથા આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થશે એવી આશા રાખું છું.” એલીમેન્ટ્સ એપ શ્રી શ્રી રવિશંકરની પ્રેરણાથી બનાવવામાં આવી છે તેમાં ચેટ, ફોન-કોલ્સ, અને વોઇસ નોટ્સની સુવિધા છે.

આ ભારતીય એપમાં 300 મેમ્બર્સનું ગ્રુપ બનાવવાની સુવિધા છે, વયસ્ક યુઝર્સ માટે આ ઉપયોગી અને સુગમ છે, જેઓ માત્ર માતૃભાષા જ જાણે છે તેમના માટે એપના ઉપયોગની સરળ વ્યવસ્થા છે, ઓડિયો ક્લિપ્સ વિભાગ – મનોરંજન અને જુદી જુદી માહિતીઓની આપ-લે માટેનું પ્લેટફોર્મ છે, સિનેમેટિક વોઇસ ફિલ્ટર્સની સુવિધા છે, ચેટ-મેસેજ અને કોલ્સની સુનિશ્ચિત પ્રાઇવસી છે, યુઝર સુરક્ષિતતા અને ગોપનીયતાની ખાતરી છે, યુઝર ડેટા માત્ર ભારતમાં રહેશે. એપમાં, એલીમેન્ટ્સ ક્લિપ્સ નામની વિશેષ સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. નજીકનાં ભવિષ્યમાં આ સુવિધા અંતર્ગત, ગુજરાતી કવિતાઓ, સંગીત, સાહિત્ય, નાટ્ય જેવા અનેક વિભાગને આવરી લેતી, ગુજરાતના અગ્રીમ કલાકારોની ઓડિયો ક્લિપ્સ ઉપલબ્ધ થશે. જેમાં શ્રોતા પોતાની પસંદના કલાકારની ચેનલ તેમ જ પોતાના રસના વિષયને પસંદ કરીને ઓડિયો સાંભળી શકશે. આ ઉપરાંત યુઝર પોતે પણ પોતાની ઓડિયો ક્લિપ્સ અપલોડ કરી શકશે.

એલિમેન્ટ્સ એપ ભારતનાં બધાં રાજ્યોમાં, માતૃભાષામાં લોન્ચ કરાશે. ગુજરાત સૌથી પહેલું રાજ્ય છે, જ્યાં એપનું ઈ-લોન્ચ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ગુજરાતનાં પ્રસિદ્ધ કલાકારો શ્યામલ-સૌમિલ મુન્શી તથા આરતીબેન મુન્શી, અતુલ પુરોહિત, આદિત્ય ગઢવી, ચંદન ઠાકોર અને નિરાલી ઠાકોર,  ભાવીનીબેન જાની, નયન પંચોલી, સોનલબેન રાવલ, અર્ચન ત્રિવેદી, ભરત બારિયા અને અક્ષય પટેલ, મમતા સોની, મમતા ભાવસાર, મિત્ર ગઢવી, આરજે દિપાલી, આરજે સિડ, વિનીત કનોજીયા અને રાહુલ ભોલે, ભક્તિ કુબાવત, વિશાલ પારેખ, જીતુ પંડ્યા, સ્મિત પંડ્યા, અભિજ્ઞા મહેતા, શૈલજા શુક્લા, ભાર્ગવ મેરાઈ અને ભર્ગસેતુ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. ઓસમાન મીર ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]