નવી દિલ્હીઃકોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાંધણ ગેસની કિંમતમાં થયેલા મોટા વધારાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ યુપીએ સરકારના સમયનો એક ફોટો શેર કર્યો છે, જેમાં સ્મૃતિ ઇરાની રાંધણગેસના સિલેન્ડર લઈને રોડ પર દેખાવો કરી રહી છે. રાહુલે લખ્યું છે કે હું ભાજપના આ સભ્યોથી સહમત છું, જેમાં એલપીજીની કિંમતોમાં રૂ. 150નો તોતિંગ વધારાનો વિરોધ કરી રહ્યા છે. આમ તેમણે ભાજપની સાથે સ્મૃતિ ઇરાનીને પણ આડે હાથ લીધા હતા.રાહુલ ગાંધીએ આ સાથે રાંધણગેસનો ભાવવધારો પાછો લેવાની માગ કરી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં પેટ્રોલિયમ કંપનીઓએ દેશમાં રાંધણગેસના વપરાશકારોને મોટો ઝટકો આપતાં કિંમતોમાં ભારે વધારો કર્યો હતો. કંપનીઓએ સબસિડી વિનાના 14.2 કિલોગ્રામવાળા સેગના બાટલા પર દેશના વિવિધ ભાગોમાં રૂ. 150 સુધીનો વધારો કર્યો હતો. દિલ્હીમાં સબસિડી વિનાના એલપીજીની કિંમતો રૂ. 144.50નો વધારો થયો હતો.
રાહુલ ગાંધીએ સ્મૃતિ ઇરાનીનો જૂનો ફોટો શેર કર્યોકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્મૃતિ ઇરાનીનો એક જુલાઈ, 2010નો ફોટો ટ્વીટ કર્યો હતો. એ વખતે સ્મતિ ઇરાની ભાજપનાં મહિલા મોરચાના અધ્યક્ષ હતાં. તેમણે ત્યારે પશ્ચિમ બંગાળ ભાજપના રાહુલ સિંહાની સાથે કોલકાતામાં ધરણાં કર્યાં હતાં. એ વખતે સ્મૃતિ ઇરાનીએ રાંધગેસની વધતી કિંમતોની વિરુદ્ધ કાર્યકર્તાઓની સાથે ચક્કા જામ કર્યો હતો. એ સમયે કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર યુપીએ ટૂ સરકાર સત્તામાં હતી.