‘આપ’ ની નજર હવે બિહાર વિધાનસભાની ચૂંટણી પર?

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઝાડુથી બધા પક્ષોના સૂપડાં સાફ કર્યા પછી આમ આદમી પાર્ટીમાં એક નવું જોમ પેદા થયું છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી દેશમાં અન્ય રાજ્યોમાં કાઠું કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ જ વાતને ધ્યાનમાં રાખતાં પાર્ટી પહેલી વાર આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ નસીબ અજમાવશે. આમ આદમી પાર્ટીના બિહાર એકમના અધ્યક્ષ શત્રુઘ્ન સાહુએ કહ્યું હતું કે તેમને ચૂંટણીની તૈયારીઓ કરવાના નિર્દેશ મળ્યા છે.

રાજ્યસભાના સંસદસભ્ય સંજય સિંહે પણ એ તરફ સંક્તો આપ્યા હતા કે પાર્ટી નેતૃત્વ જ આનો અંતિમ નિર્ણય કરશે. પાર્ટીના રાષ્ટ્રી પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય સિંહે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી દેશમાં પ્રસરવાના પ્રયત્વો કરશે. અમે 2013 અને એ પછી 2015માં સભ્યપદની ઝુંબેશ ચલાવી હતી. જ્યારે કોઈ પક્ષ ચૂંટણી જીતી જાય છે, તો એ પક્ષને વિસ્તરણ કરવાની સારી તક હોય છે. અમે પણ ઇચ્છીએ છે કે પશ્રનું વિસ્તરણ થાય. અમે આના માટે મિસ્ડ કોલનો નંબર આપ્યો જ છે.