પ્રવાસી ભારતીય કેન્દ્ર હવે સુષમા સ્વરાજ ભવન

નવી દિલ્હીઃ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનો જન્મ દિવસ છે. આ દિવસે વિદેશ મંત્રાલયે પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ બદલીને સુષમા સ્વરાજ ભવન અને વિદેશ સેવા સંસ્થાનું નામ બદલીને સુષમા સ્વરાજ ઈંસ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના અમૂલ્ય યોગદાન માટે વિદેશ મંત્રાલયે 14 ફેબ્રુઆરીના રોજ તેમની જયંતીની પૂર્વ સંધ્યા પર આની જાહેરાત કરી છે. આ પહેલા પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને ગણતંત્ર દિવસના રોજ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સુષમા સ્વરાજનું 6 ઓગસ્ટ 2019 ના રોજ 67 વર્ષની ઉંમરે નિધન થયું હતું. રાત્રે પોતાના ઘરે તેમને હાર્ટ એટેક આવ્યો અને પછી તેમને દિલ્હીની જ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમણે આ દુનિયાને અલવીદા કહી. વર્ષ 2018માં સુષમા સ્વરાજે કહ્યું હતું કે તે હવે ચૂંટણી લડવા ઈચ્છતી નથી.

વિદેશ મંત્રી તરીકે સુષમા સ્વરાજ વિદેશોમાં પણ ખૂબ લોકપ્રિય હતા. તેમના કાર્યકાળ દરમિયાન જેણે પણ મદદ માંગી, તેને મદદ તેમણે કરી હતી. તે પછી વિઝાને લઈને અપીલ કરી હોય કે પછી અન્ય કોઈ મદદની જરુર પડી હોય, તમામ વ્યક્તિને સુષમા સ્વરાજ સપોર્ટ કર્યો છે.