પુણેઃ જાગતિક મહાબીમારી કોરોના વાઈરસ સામે દુનિયાની સાથે ભારત દેશ જે જંગ ખેલી રહ્યો છે તેમાં ‘કોવિશીલ્ડ’ કોરોના રસી બનાવીને મદદરૂપ થનાર પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કંપનીમાં આજે બપોરે લગભગ પોણા ત્રણ વાગ્યે લાગેલી ભીષણ આગમાં પાંચ જણના મૃત્યુ નિપજ્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે આ ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કંપનીના સીઈઓ અદર પૂનાવાલાએ મૃત્યુ થયા એ વિશે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો પ્રતિ પોતાની દિલસોજી પાઠવી છે.
આગની દુર્ઘટના ‘કોવિશીલ્ડ’ કોરોના રસીનું જ્યાં ઉત્પાદન કરાય છે તે મકાનમાં આગ લાગી નથી. તેથી રસીના ઉત્પાદનની કામગીરી પર કોઈ માઠી અસર પડી નથી. રસી ઉત્પાદન મકાન કરતાં એક કિ.મી. દૂર આવેલા બાંધકામ હેઠળના મકાનમાં આગ લાગી હતી. આગને કારણે પ્લાન્ટના મકાનમાંથી નીકળતા ધૂમાડાના ગોટેગોટાની તસવીરો સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ છે. આગની જાણ થતાં જ અગ્નિશામક દળના જવાનો 12 ફાયર એન્જિન્સ સાથે ત્યાં પહોંચી ગયા હતા. આગને કાબૂમાં લેવામાં અને 9 જણને બચાવવામાં તેઓ સફળ રહ્યા હતા.
