બ્રિટિશ વડા પ્રધાન જોન્સનને આંદોલનકારી ખેડૂતોની વિનંતી

નવી દિલ્હીઃ કેન્દ્રના વિવાદાસ્પદ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ કહ્યું છે કે તેઓ બ્રિટનના સંસદસભ્યોને પત્ર લખશે અને એમને વિનંતી કરશે કે ભારત સરકાર જ્યાં સુધી ખેડૂતોની માગણીઓને સ્વીકારે નહીં ત્યાં સુધી તેઓ એમના દેશના વડા પ્રધાન બોરીસ જોન્સનને ભારતની મુલાકાતે આવતા રોકે. ઉલ્લેખનીય છે કે, જોન્સન આવતી 26 જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિનના ઉજવણી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા સહમત થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આમંત્રણનો એમણે સ્વીકાર કર્યો છે. જોન્સન 2018માં બ્રિટનના વડા પ્રધાન બન્યા ત્યારબાદ આ એમની પહેલી મોટી દ્વિપક્ષીય વિદેશ મુલાકાત હશે. 1993માં તે વખતના બ્રિટિશ વડા પ્રધાન જોન મેજરે નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પરેડ-ઉજવણી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.

પંજાબના ખેડૂત નેતા કુલવંત સિંહ સંધુએ એમ કહ્યું છે કે અમે બ્રિટનના સંસદસભ્યોને લેખિતમાં વિનંતી કરવાના છે કે જ્યાં સુધી ભારત સરકાર અહીંના ખેડૂતોની માગણીઓ ન સ્વીકારે ત્યાં સુધી તેઓ બોરીસ જોન્સનને ભારત આવતા રોકે.