ફેબ્રુઆરી-2021 સુધી CBSE બોર્ડ પરીક્ષા નહીં યોજાય

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ રોગચાળો હજી સંપૂર્ણપણે અંકુશમાં આવ્યો ન હોવાથી કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે કે CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) સંચાલિત 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી-2021 સુધી યોજવી નહીં. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ ‘નિશંક’એ આજે આ જાહેરાત કરી છે. જ્યાં સુધી પરિસ્થિતિ સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓ યોજવા માટે યોગ્ય નહીં થાય ત્યાં સુધી આ પરીક્ષાઓ મોકૂફ રહેશે. નવી તારીખો બાદમાં જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ આયોજન શરૂ કરાતું હોય છે, પણ આ વર્ષે કોરોનાને કારણે તેમ કરવું શક્ય નથી.

પોખરીયાલે શિક્ષકો સાથેના એક લાઈવ વેબિનારમાં એમ પણ કહ્યું છે કે 2021ની સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓ ઘટાડેલા સિલેબસના આધારે જ લેવામાં આવશે. પરીક્ષા ઓનલાઈન યોજવી પડકાર છે, કારણ કે એ માટે આપણે દરેક વિદ્યાર્થીને લેપટોપ આપવું પડે તેમજ સ્થિર ઈન્ટરનેટ અને વીજળી પુરવઠો પણ હોવા જોઈએ. વળી, પરીક્ષા સાવ રદ કરવી પણ પરવડે નહીં, કારણ કે એનાથી વિદ્યાર્થીઓને એક વર્ષ ગુમાવ્યાનું લેબલ લાગે જે ભવિષ્યમાં એમને નોકરી મેળવવામાં કે ઉચ્ચ શિક્ષણ મેળવવામાં બાધારૂપ બની શકે.