ઉ. પ્રદેશમાં કન્ટેનર-કારની ટક્કરમાં પાંચનાં મોત

આગ્રાઃ ઉત્તર પ્રદેશના આગ્રામાં મોટી દુર્ઘટના થઈ છે. યમુના એક્સપ્રેસવે પર એક કન્ટેનર ટ્રક-કારની ટક્કરમાં કમસે કમ પાંચ લોકો જીવતા ભૂંજાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાગાલેન્ડના નંબરવાળું કન્ટેનર ખોટી દિશામાંથી આવતાં આ દુર્ઘટના ઘટી હતી. આ અકસ્માતમનાં માર્યા ગયેલા લોકો લખનઉના હતા. તેઓ દિલ્હીથી આવી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ આ દુર્ઘટના સવારે ચાર કલાકે થઈ હતી. યુપી 32 કેવી 6788 નંબરની સ્વિફ્ટ ડિઝાયર કાર આગ્રાથી દિલ્હી આવી રહી હતી. ત્યારે એક કન્ટેનર ખોટી દિશામાંથી આવવાને કારણે આ દુર્ઘટના બની હતી.

કન્ટેનરની ડીઝલ ટેન્કથી કાર ટકરાઈ હતી. જેને કારણે કારમાં ભીષણ આગ લાગી હતી. આ કારમાં આગ એટલી ભીષણ હતી કે કારમાં ફસાયેલા લોકો બહાર નહોતા નીકળી શક્યા. આ દુર્ઘટના સ્થળે ફાયરબ્રિગ્રેડની ટીમ પહોંચી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કરે એ પહેલાં કારમાં સવાર બધા લોકો આગમાં હોમાયા હતા. આ મૃતકોમાં એક બાળક, એક મહિલા અને ત્રણ પુરુષ સામેલ હતા.