ટ્રમ્પ તરફથી મોદીને ‘લીઝન ઓફ મેરિટ’ એવોર્ડ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘લીઝન ઓફ મેરિટ’ એવોર્ડ એનાયત કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખે બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધારવા અને વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતને વૈશ્વિક શક્તિના રૂપમાં ઊભરવા બદલ આ એવોર્ડ એનાયત કર્યો છે. અમેરિકામાં ભારતના એમ્બેસેડર તરનજિત સિંહ સંધુએ 21 ડિસેમ્બરે વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રીય સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન પાસેથી વડા પ્રધાન તરફથી આ એવોર્ડનો સ્વીકાર કર્યો હતો.   

અમેરિકી રાષ્ટ્રપ્રમુખે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં અમેરિકા-ભારતની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા માટે મોદીને ‘લીઝન ઓફ મેરિટ’ એવોર્ડ આપ્યો હતો ,એમ ઓ બ્રાયને એક ટ્વીટમાં જણાવ્યું હતું. વડા પ્રધાન મોદીને લીજન ઓફ મેરિટની સર્વોચ્ચ ડિગ્રી ચીફ કમાન્ડરની સાથે આપવામાં આવે છે, જે માત્ર રાજ્ય અથવા સરકારના વડાને જ આપવામાં આવે છે.

ઓ બ્રાયને એક અન્ય ટ્વીટમાં કહ્યું હતું કે ટ્રમ્પે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન અને ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્જો આબેને પણ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ વોશિંગ્ટન ડીસીમાં એમના સંબંધિત એમ્બેસેડર દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.

20 જુલાઈ, 1942એ અમેરિકી સંસદ દ્વારા લીઝન ઓફ મેરિટ એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી. એ અમેરિકી સેના, વિદેશી સેનાના સભ્યો અને એ રાજકીય હસ્તીઓને એનાયત કરવામાં આવે છે, જેમણે ઉત્કૃષ્ટ સેવાઓ અને ઉપલબ્ધિઓના પ્રદર્શનમાં અસાધારણ અને સરાહનીય આચરણ પ્રદર્શિત કર્યું છે. એ સર્વોચ્ય સેનાના પદકમાંનો એક છે.