નવી દિલ્હીઃ ભારતીય કિસાન યૂનિયન (બીકેયૂ)ના નેતા રાકેશ ટિકૈતે આજે કહ્યું કે કૃષિ કાયદાઓ વિરુદ્ધ હાલ ચાલી રહેલું ખેડૂતોનું ત્યારે જ પાછું ખેંચાશે જ્યારે આ ત્રણેય જટિલ કાયદાને સંસદમાં પાછા ખેંચી લેવામાં આવશે. સરકારે ખેતઉત્પાદનના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) તથા અન્ય બાબતો અંગે ખેડૂતો સાથે ચર્ચા કરવી જોઈએ. ટિકૈતે કહ્યું કે અમારા 750 જણ મૃત્યુ પામ્યા એ પછી સરકાર જાગી છે. 3 કૃષિ કાયદા એમણે ક્યાં પાછા ખેંચ્યા? ક્યાં છે એના દસ્તાવેજો? અમને બતાવો એ દસ્તાવેજો… અમે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રાખીશું જ્યાં સુધી આ કાયદા સંસદ દ્વારા પાછા ખેંચી લેવામાં ન આવે. એ પછી જ અમે પાછાં ફરીશું.
ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે રાષ્ટ્રીય સંબોધનમાં જાહેરાત કરી હતી. આ કાયદાઓની વિરુદ્ધમાં ખેડૂતો ગયા વર્ષની 26 નવેમ્બરથી આંદોલન કરી રહ્યા છે.