નવી દિલ્હીઃ બે કોરોના રસી – સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને ભારતમાં તાકીદની પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લેવાની આજે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ મંજૂરી આપ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સ કરીને આનંદ વ્યક્ત કર્યો છે. એમણે કહ્યું, ભારતને અભિનંદન. આપણા મહેનતુ વિજ્ઞાનીઓ અને સંશોધકોને અભિનંદન.
આ બંને રસીને મંજૂરી મળતાં ભારતને વધુ તંદુરસ્ત અને કોવિડ-મુક્ત બનાવવાનો માર્ગ મોકળો થયો છે, એમ તેમણે વધુમાં કહ્યું છે.
પ્રત્યેક ભારતવાસી માટે આજનો દિવસ ગર્વ લેવાનો છે. આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરવામાં આપણા વિજ્ઞાનીઓ કેટલા ઉત્સૂક છે તે આના પરથી સાબિત થયું છે. આપણે અસાધારણ કામગીરી બજાવનાર ડોક્ટરો, મેડિકલ સ્ટાફ, વિજ્ઞાનીઓ, પોલીસકર્મીઓ, આરોગ્યકર્મીઓ તથા અન્ય તમામ કોરોના યોદ્ધાઓ પ્રતિ આપણી કૃતજ્ઞતાનો પુનરોચ્ચાર કરીએ છીએ, એમ તેમણે ત્રીજા ટ્વીટમાં કહ્યું છે.