નવી દિલ્હીઃ સમગ્ર દુનિયા આજે કોરોના વાઈરસ મહાબીમારીના સકંજા હેઠળ રહીને પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે આ નિમિત્તે રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે પ્રાણાયમ (શ્વાસ પર નિયંત્રણ કરવાની પદ્ધતિ) કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આજે કોરોના સંકટમાં આની ખાસ જરૂર છે.
મોદીએ કહ્યું કે, આજનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકતાનો દિવસ છે, વિશ્વ બંધુત્વનો દિવસ છે. આપણે બધાં જ ઘરમાં પરિવારજનોની સાથે યોગ કરીએ છીએ. પરિવારના તમામ સભ્યો યોગના માધ્યમથી જોડાય તો સમગ્ર ઘરમાં ઊર્જાનો સંચાર થાય છે.
યોગ કોરોના વાઈરસ મહાબીમારી ફેલાયા બાદ શારીરિક તંદુરસ્તી મેળવવા માટે દુનિયાભરના દેશો યોગવિદ્યા તરફ વળ્યા છે. પ્રાણાયમ શ્વાસને લગતી બીમારીઓ મટાડે છે, એમ પણ વડા પ્રધાને કહ્યું.
વડા પ્રધાને ખાસ એ નોંધ લીધી છે કે યોગ વિદ્યા પૃથ્વી ગ્રહને વધારે સ્વાસ્થ્યસભર બનાવવાની વ્યક્તિની ઝંખનાને દ્રઢ બનાવે છે. આ વિદ્યામાં જાતિ, રંગ, ધર્મ વગેરે વિશે કોઈ ભેદભાવ નથી. કોરોના વાઈરસ રોગચાળાને કારણે દુનિયાને યોગની જરૂરિયાત સમજાઈ છે. યોગ કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને રોગ સામે લડવામાં મદદરૂપ થાય છે. કોરોનાવાઈરસ આપણી શ્વસનક્રિયા ઉપર જ પ્રહાર કરનારો છે. તેથી આપણી શ્વસનક્રિયાને મજબૂત રાખવામાં પ્રાણાયમ ખૂબ જ મદદરૂપ થાય છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને કહ્યું છે કે યોગવિદ્યા શરીર અને મન વચ્ચે એકરાગતા સ્થાપવામાં મદદરૂપ થાય છે. આ એવું માધ્યમ છે જે કાર્ય અને વિચાર વચ્ચે સમન્વય જાળવે છે. માનવી અને કુદરત વચ્ચે સુમેળ સાધે છે. મોદીજીના પ્રયાસોને કારણે જ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. સમગ્ર માનવજાતને ભારતીય સંસ્કૃતિની આ કિંમતી ભેટ છે.
આજે યોગ દિવસ નિમિત્તે ઘણા લોકોએ યોગ કરતા હોય એવી વ્યક્તિગત કે પરિવારજનો સાથેની તસવીરો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે.
ઉલ્લેખનીય છે કે, 2014માં વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ દર વર્ષની 21 જૂનની તારીખને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઘોષિત કરી હતી. આમ, આજનો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ છઠ્ઠો છે.
આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડા પ્રધાન મોદીએ એમના ટ્વિટર હેન્ડલ પર આ સંદેશ પોસ્ટ કર્યો હતો.
Greetings on #YogaDay! Sharing my remarks on this special occasion. https://t.co/8eIrBklnLI
— Narendra Modi (@narendramodi) June 21, 2020