NCP પ્રમુખપદેથી શરદ પવારે રાજીનામું આપ્યું; એમના નિર્ણયથી સમર્થકો નારાજ

મુંબઈઃ એક મોટી બનેલી ઘટનામાં, રાજકીય દિગ્ગજ નેતા શરદ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના રાષ્ટ્રીય પ્રમુખપદેથી રાજીનામું આપવાની આજે જાહેરાત કરી છે. અત્રે યશવંતરાવ ચવ્હાણ ફાઉન્ડેશન સેન્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં એમણે આ જાહેરાત કરી હતી. 82-વર્ષીય પવારે જોકે એમ પણ કહ્યું કે પોતે સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત નહીં થાય. પક્ષના નવા રાષ્ટ્રીય પ્રમુખ કોને બનાવવા તેનો નિર્ણય પક્ષની કાર્યકારી સમિતિ લેશે.

દરમિયાન, એનસીપીના સમર્થકો પવારના નિર્ણયથી નારાજ થયા છે. પક્ષના ઘણા કાર્યકર્તાઓએ કાર્યક્રમના સ્થળે વિરોધ વ્યક્ત કરીને તેમની નારાજગી દર્શાવી હતી. અનેક કાર્યકર્તાઓએ વિનંતી કરી હતી કે પવાર પદ છોડે નહીં. કાર્યક્રમનું સ્થળ કાર્યકર્તાઓ દ્વારા ‘શરદ પવાર, શરદ પવાર’ના નાદથી ગાજી ઉઠ્યું હતું. કાર્યક્રમ વખતે મંચ પર બેઠેલા પક્ષના સિનિયર નેતાઓ જયંત પાટીલ અને જિતેન્દ્ર આવ્હાડ ડઘાઈ ગયા હતા અને મંચ પર રડી પડ્યા હતા.