પોલીસે રાહુલ ગાંધીના કાફલાને સંભલ જતા અટકાવ્યો

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતાને હિંસાગ્રસ્ત સંભલની મુલાકાતે જતાં પોલીસ વહીવટી તંત્રએ ગાઝીપુર બોર્ડર અટકાવી દીધા છે. પોલીસે તેમને અને પ્રિયંકા ગાંધી વાડ્રાના કાફલાને ગાઝીપુર બોર્ડર પર અટકાવ્યા છે. પોલીસે તેમને સંભલ જવાની મંજૂરી નથી આપી. પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પાંચ અન્ય સાંસદોની સાથે હિંસા પ્રભાવિત સંભલ માટે નીકળ્યા હતા.

પોલીસે રાહુલ-પ્રિયંકાના કાફલાને ગાઝીપુર બોર્ડર પર લગભગ 30 મિનિટ સુધી રોકી રાખ્યો હતો. કોંગ્રેસે પોલીસ અધિકારીઓને કહ્યું હતું કે  માત્ર પાંચ લોકોને જ જવા દેવા જોઈએ. જોકે  અધિકારીઓએ તેમને કહ્યું હતું કે સંભલમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે. હમણાં ત્યાં ન જશો. પોલીસે રાહુલ ગાંધીને પરત ફરવાની અપીલ કરી હતી. ગાઝિયાબાદ પોલીસના DCP નિમિષ પાટીલે રાહુલ ગાંધી સાથે વાત કરી છે. તેમને સંભલની સ્થિતિ અંગે જણાવ્યું હતું અને તેમણે રાહુલને આગળ ન જવા વિનંતી કરી હતી.

તેમની સાથે કેસી વેણુગોપાલ, કેએલ શર્મા, ઉજ્જલ રમણ સિંહ, તનુજ પુનિયા અને ઈમરાન મસૂદ પણ છે. રાહુલ અને પ્રિયંકા સંભલમાં તાજેતરની હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવાર સાથે મળવાના ઈરાદા સાથે ત્યાં જવા માગતા હતા. જોકે સ્થાનિક વહીવટી તંત્રએ 10 ડિસેમ્બર સુધી સંભલમાં નેતાઓ અને સામાજિક કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ દિલ્હીની સરહદ પર પોલીસ તહેનાત છે અને બેરિકેડિંગ કરવામાં આવી છે. વહીવટી તંત્રની સંપૂર્ણ તૈયારી હતી કે દિલ્હીની સરહદે જ રાહુલ ગાંધીને રોકી લેવામાં આવે. જોકે, રાહુલ ગાંધીના કાફલાને ગાઝીપુર બોર્ડર પર રોકી દેવામાં આવ્યો હતો.

UP કોંગ્રેસ ચીફ અજય રાયે કહ્યું હતું કે અમે પાંચ લોકો જઈશું, પાંચ લોકોને તો મંજૂરી છે. કલમ 163માં મંજૂરી હોય તો પાંચ લોકો જઈ શકે છે. સંભલમાં અત્યાચારને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.