સ્થિર સરકારે દુનિયાના દેશો સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવ્યા છેઃ મોદી

મુંબઈઃ ‘મનીકન્ટ્રોલ’ પોર્ટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ લીધો છે. તે મુલાકાતમાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપ્યા હતા અને પોતાના વિચારો રજૂ કર્યા હતા. એમણે કહ્યું, 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય જનતાને આપેલા વચન વિશેનો હતો, તો 2019ની ચૂંટણીનો વિજય છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ સરકારના પરફોર્મન્સ અને ભવિષ્ય માટે સરકારે ઘડેલી યોજનાઓ પર આધારિત હતો.

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે જી-20 દેશોના વડાઓનું બે-દિવસીય શિખર સંમેલન યોજાઈ રહ્યું છે તે પૂર્વે આપેલી આ મુલાકાતમાં પીએમ મોદીએ દેશની સ્થિર કેન્દ્ર સરકાર અને વિશ્વના દેશો સાથે ભારતના સંબંધોની મજબૂતી વચ્ચે સંબંધ હોવાનું જણાવ્યું છે. એમણે કહ્યું, દુનિયાના અનેક દેશો સાથે અનેક ક્ષેત્રોમાં ભારતના સંબંધ વધારે મજબૂત બન્યા છે. રાજકીય સ્તરે દાયકાઓથી ચાલી રહેલી અસ્થિરતા બાદ 2014માં દેશની જનતાએ એક સ્થિર સરકારને વોટ આપ્યો હતો, જેની પાસે વિકાસનો સ્પષ્ટ એજન્ડા હતો.

આ વર્ષના અંતભાગમાં રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આવતા વર્ષના એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી નિર્ધારિત છે ત્યારે વડા પ્રધાને કહ્યું કે આર્થિક રીતે બેજવાબદાર હોય એવી નીતિઓના અમલથી બચવું પડશે. આપણા દેશમાં પણ એવા અનેક મંચ છે, જ્યાં આપણે એવી આર્થિક નીતિઓ સામે ચેતવાની જરૂર છે જે બેજવાબદાર હોય. એવી નીતિઓની લાંબા સમયની અસરો દેશના અર્થતંત્રને જ નહીં, પણ સમાજને પણ નષ્ટ કરે છે. એની કિંમત ગરીબ લોકોને ચૂકવવી પડે છે.